: ૨૦ : આત્મધર્મ પોન્નૂર યાત્રા–અંક
થઈને સ્વદ્રવ્યમાં ઉપયોગને નિશ્વળ કરવાનો અભ્યાસ કરવો; આ અભ્યાસ
જ મોક્ષનું કારણ છે, તે જ કર્મના અભાવનું કારણ છે.
જેનાથી તીર્થંકરપ્રકૃતિ વગેરે કર્મ બંધાય એવા ભાવનો અભ્યાસ કે ભાવના
ધર્મીને નથી, ધર્મીને તો ચૈતન્યમાં લીન થઈને શુદ્ધોપયોગ પ્રગટ કરવાનો અભ્યાસ
અને ભાવના છે. તેનાથી જ સમસ્ત કર્મબંધ છેદાય છે. જેનાથી કર્મબંધ થાય તેની
ભાવના ધર્મીને કેમ હોય? –––ન જ હોય. ઉપયોગ જો પરદ્રવ્યને અનુસરે તો તેમાં
અશુદ્ધતા થાય છે ને કર્મો બંધાય છે, ને ઉપયોગ જો સ્વદ્રવ્યને અનુસરે તો તેમાં
શુદ્ધતા થાય છે ને કર્મબંધ છૂટી જાય છે. માટે ભગવાનના આગમનો (પ્રવચનનો)
આ સાર છે કે સ્વદ્રવ્યને અનુસરવું. પરથી અત્યંત ભિન્ન જાણીને ઉપયોગસ્વરૂપ
નિજઆત્માનું જ અવલંબન કરવું. આ જ કલ્યાણનો પંથ છે. ચારે અનુયોગનો આ
સાર છે; માટે હે ભવ્ય! ચારે અનુયોગના પ્રવચનમાંથી તું આ જ સાર કાઢજે.
જ્ઞાનસ્વરૂપ આત્માને સ્વજ્ઞેય બનાવીને, શુદ્ધોપયોગ વડે તેમાં નિશ્વલ રહેનાર
ધર્માત્મા પરદ્રવ્યો પ્રત્યે અત્યંત મધ્યસ્થ છે તેનું આ વર્ણન છે.
હું દેહ નહિ, વાણી ન, મન મહિ, તેમનું કારણ નહિ,
કર્તા ન, કારયિતા ન, અનુમંતા હું કર્તાનો નહિ. ૧૬૦
મારો જ્ઞાનસ્વરૂપ આત્મા જ મારું સ્વજ્ઞેય છે; શરીર, વાણી કે મન મારા
સ્વજ્ઞેય નથી, તે પરજ્ઞેય છે, તે પરદ્રવ્ય હોવાથી તેના પ્રત્યે મને કાંઈપણ પક્ષપાત
નથી, તેમના પ્રત્યે હું અત્યંત મધ્યસ્થ છું
અહા, જુઓ તો ખરા આ ભેદજ્ઞાનની અપૂર્વ ભાવના! આ ભાવના ભાવવા
જેવી છે. જ્ઞાનસ્વભાવ સન્મુખની આ ભાવના ભવનો નાશ કરનારી છે.
શરીરાદિ પરદ્રવ્યોની ક્રિયામાં મારું કિંચિત કારણપણું નથી, શરીર, વાણી કે
મન તેના સ્વરૂપનો આધાર અચેતનદ્રવ્ય છે, હું તેનો જરાપણ આધાર નથી. મારા
આધાર વગર જ તેઓ પોતાના સ્વરૂપે વર્તી રહ્યા છે. વાણી બોલાય તે અચેતન
દ્રવ્યના આધારે બોલાય છે, મારા આધારે નહિ; મારા આધાર વગર જ તે તેના
સ્વરૂપે વર્તે છે. ‘હું વ્યવહારે તો તેનો કર્તા છું ને? ’ –એમ જેને પક્ષપાત છે તેને
પરદ્રવ્ય પ્રત્યે મધ્યસ્થતા થતી નથી, તેને પરની ઉપેક્ષા થતી નથી.
ધર્મી તો સમજે છે કે હું જ્ઞાન છું મારા જ્ઞાનને અને પરને કાંઈ લાગતુંવળગતું
નથી, અત્યંત ભિન્નતા છે. માટે પરદ્રવ્યનો પક્ષપાત છોડીને હું તો મારા જ્ઞાનસ્વરૂપમાં
જ વળું છું; આ રીતે હું અત્યંત મધ્યસ્થ છું.