: ૮ : આત્મધર્મ : પ્ર. ચૈત્ર:
ઉ.... દ્.... બો.... ધ.... ન
“હે આત્મા હવે બસ!!! નર્કના અનંત દુઃખો જે સાંભળતાં પણ હૃદયમાં કંપારી
ઊઠે, એવા દુઃખો અનંત–અનંત વાર તે સહન કર્યાં. પણ તારું સાચું ભાન એક ક્ષણ પણ
અનંતકાળમાં કર્યું નથી; આ ઉત્તમ મનુષ્યજીવનમાં અનંત કાળનાં અનંતદુઃખો
ટાળવાનો વખત આવ્યો છે અને અત્યારે જો તું તને (તારા સ્વરૂપને, જાણવાનો સાચો
ઉપાય નહિ કર તો ફરી અનંતકાળ ચોરાશીમાં ભ્રમણ કરવું પડશે... માટે જાગૃત થા!
આત્માને ઓળખ્યા વગર છૂટકો નથી. વસ્તુના ભાન વગર જઈશ ક્યાં? તારું
સુખ–શાંતિ તે તારી વસ્તુમાંથી આવે છે કે બહારથી? તું ગમે તે ક્ષેત્રે જા પણ તું તો
તારામાં જ રહેવાનો! તારું સુખ સ્વર્ગમાંથી નથી આવવાનું, તું તારાથી કોઈ કાળે કે
કોઈ ક્ષેત્રે જુદો પડવાનો નથી. માત્ર તારા ભાનના અભાવે જ તું દુઃખી થઈ રહ્યો છો.
તે દુઃખ દૂર કરવા માટે ત્રણે કાળના જ્ઞાનીઓ એક જ ઉપાય બતાવે છે કે:–
“આત્માને ઓળખો”
હે જીવો! તમે જાગો, મનુષ્યત્વ અત્યંત દુર્લભ છે; અજ્ઞાનમાં રહીને સદ્દવિવેક
પામવો અશક્ય છે. આખો લોક (સંસાર) કેવળ દુઃખથી સળગ્યા કરે છે, અને પોત–
પોતાના કર્મો વડે અહીં તહીં ભમ્યા કરે છે, એવા સંસારથી મુક્ત થવાં હે જીવો! તમે
સત્વર આત્મભાન સહિત જાગો! જાગો!
હે જીવ! હે આત્મા! હવે ક્યાં સુધી ખોટી માન્યતા રાખવી છે? ખોટી
માન્યતામાં રહીને અનાદિથી અજ્ઞાનની મોહજાળમાં મુંઝાઈ રહ્યો છો, હવે તો જાગ!
એકવાર તો ખોટી માન્યતાથી છૂટીને, અજ્ઞાનની મોહજાળને ફગાવીને તારા મૂળ
સ્વરૂપને જો!
સાચું સુખ કેમ પ્રગટે? સાચું સુખ આત્મામાં જ છે, બહાર ક્યાંય સાચું સુખ
નથી જ. આત્મા પોતે સુખ સ્વરૂપ છે. જ્યારે સમ્યગ્દર્શન દ્વારા પોતાના સ્વરૂપને
બરાબર જાણે ત્યારે જ સાચું સુખ પ્રાપ્ત થાય. તે માટે પ્રથમમાં પ્રથમ સત્પુરુષને ચરણે
અર્પાઈ જવું જોઈએ અને રુચિપૂર્વક નિરંતર સત્નું શ્રવણ–મનન કરવું જોઈએ.
દુઃખથી છૂટીને સુખ મેળવવાનો ઉપાય દરેક આત્મા કરે છે, પણ પોતાના સત્ય–
સ્વરૂપના ભાન વગર, સાચો ઉપાય કરવાને બદલે ખોટો ઉપાય કરી કરીને અનાદિથી
અજ્ઞાનને લીધે દુઃખને જ ભોગવે છે. તે દુઃખથી છૂટવા માટે ત્રણેકાળના જ્ઞાનીઓ એક
જ ઉપાય બતાવે છે કે આત્માને ઓળખો.