: પ્ર. ચૈત્ર : આત્મધર્મ : ૯ :
વૈ... રા... ગ્ય... વા... ણી
વૈરાગ્યના કોઈ પ્રસંગે પૂ. ગુરુદેવ વગેરેના વૈરાગ્યપ્રેરક વચનોમાંથી અહીં
જિજ્ઞાસુઓને ઉપયોગી કેટલુંક સંકલન આપ્યું છે. ગમે તે પ્રસંગે
શાંતરસનું પાન કરાવીને આત્માને હિંમત આપનારી
ધર્માત્મા–સન્તોનું દર્શન
કોઈપણ પરિસ્થિતિમાં મુમુક્ષુ જીવને
ઉત્સાહિત કરે છે... ધર્માત્માને દેખતાં જ
એનાં દેહદુઃખ ને જીવનદુઃખ બધુંય
એકવાર તો ભૂલાઈ જાય છે. મોટા મોટા
દાક્તરોની દવા જે દર્દને નથી દબાવી
શકતી, તે દર્દ ધર્માત્માના એકજ વચનથી
ભૂલાઈ જાય છે. એક કવિએ ગઝલમાં
સાચું જ કહ્યું છે કે–
જગતમાં જન્મવું મરવું
નથી એ દરદનો આરો;
તથાપિ શાંતિદાતા બે
હકીમો સંત ને તીર્થો.
સદા સંસારનો દરિયો
તૂફાની ફેની અંધારો;
દીવાદાંડી સમા બે ત્યાં
અડગ છે સંત ને તીર્થો.
મહાભાગ્યે આપણને આજે એવા
અડગ દાંડીદીવા સમા સન્તધર્માત્માનાં દર્શન–
વચનનો લાભ પ્રાપ્ત થાય છે... તેઓની
ઉત્સાહપ્રેરક વૈરાગ્ય વાણી બધા જીવોને માટે
ખૂબ ઉપકારી છે.
રોગ થાય, કળતર થાય–એ શરીરની
અવસ્થા છે, એનું લક્ષ ભૂલી જવું; આત્માના
જ્ઞાનઆનંદના વિચારમાં ચડી જવું. નરકમાં
૩૩–૩૩ સાગરોપમ સુધી ઘોર વેદના જીવે
સહન કરી છે. શરીરનો સ્વભાવ ફરશે નહિ,
માટે આપણે સમતા રાખવી. “હું તો
ચૈતન્યસ્વરૂપ જ્ઞાન છું” ––એમ ફડાક દઈને
પરથી ભિન્ન ચૈતન્યમાં દ્રષ્ટિ વાળી લેવી. પછી
શરીરનું થવાનું હોય તે થાય. ‘શરીરમાં નવી
નવી વ્યાધિ થયા કરે છે’ ––પણ ભાઈ!
ઊંટના તો અઢારેય વાંકા! ... આ શરીરના
પરમાણુ સ્વયં કર્તા થઈને એવી દશારૂપે
પરિણમી રહ્યા છે. મૃત્યુ તો એકવાર થવાનું
છે... એમાં જ્ઞાનસ્વરૂપની દ્રષ્ટિ વગર કલ્યાણ
નથી. ચૈતન્યશક્તિના ગર્ભમાં પરમાત્મા
બિરાજે છે––તેનું સ્મરણ કરવું.