Atmadharma magazine - Ank 247
(Year 21 - Vir Nirvana Samvat 2490, A.D. 1964).

< Previous Page   Next Page >


PDF/HTML Page 10 of 83

background image
શ્રી કાનજીસ્વામી–હીરકજયંતી–અભિનંદન–અંક
વૈશાખ સુદ ૨ઃ પઃ
સમયસારમાં આત્માની અલૌકિક વાત સંભળાવતા કહે છે કે અહો, આત્મા
પોતાના સ્વભાવને પામે એવી વાત જગતમાં દુર્લભ છે. અશુદ્ધતાની ને રાગદ્વેષ
પોષનારી વાત જીવોએ અનંતવાર સાંભળી છે, ને એવા ભાવો અનંતકાળ સેવ્યા
છે તેથી તે સુલભ છે, પણ પરથી ભિન્ન શુદ્ધાત્માની વાત કદી પૂર્વે સાંભળી નથી,
કદી અનુભવી નથી, તેથી તે દુર્લભ છે, ને તે જ જીવની પરમ હિતકર છે, તે જ
સુંદર છે, તે જ મંગળ છે. આવો અવસર પામીને આત્માના સ્વભાવના સમ્યક્
શ્રદ્ધા–જ્ઞાન કરવા ને સ્વસમયપણું પ્રગટ કરવું તે જ ઉત્તમ મંગળ છે.
સાધક કહે છે હે જિનેશ્વર! હે પરમાત્મા! શુદ્ધ ચૈતન્યની શ્રદ્ધા કરીને તારા
ગાણાં ગાવા ઊભો થયો, તે શ્રદ્ધાના રંગમાં હવે ભંગ પડવાનો નથી. આત્મપ્રેમ
જાગ્યો તેમાં હવે ભંગ પડવાનો નથી. ચૈતન્યના આદરમાં વચ્ચે વિકારનો આદર
નહિ આવે. ધર્મને સાધવા નીકળ્‌યો તેમાં વચ્ચે ભંગ પડવાનો નથી; ચૈતન્યની
અભંગ પ્રીતિથી જાગ્યો તે હવે ભંગ પડયા વગર કેવળજ્ઞાન લેશું. આના જેવું
ઉત્તમ મંગળ જગતમાં બીજું નથી. સંતો કહે છે કે હે નાથ! આપના જેવા
શુદ્ધાત્માને શ્રદ્ધામાં લઇને મનમંદિરમાં સ્થાપ્યો, હવે એથી વિરુદ્ધ બીજા કોઇ
ભાવનો મારા મનમંદિરમાં પ્રવેશ થવા ન દઊં એ અમારા કૂળની ટેક છે. હે પ્રભો!
અમે આપના કૂળના છીએ. સ્વભાવને સાધવા નીકળ્‌યા તેમાં વચ્ચે ભંગ નહિ
પાડીએ એમાં આપની સાક્ષી છે. આત્માના આવા શ્રદ્ધા–જ્ઞાનના ભાવ પ્રગટ કરવા
તે અપૂર્વ સુંદર માંગળિક છે.–એ રીતે મુંબઈનગરીમાં માંગળિક કર્યું.
(તા. ૩–પ–૬૪)