શ્રી કાનજીસ્વામી–હીરકજયંતી–અભિનંદન–અંક
ઃ ૨૬ઃ વૈશાખ સુદ ૨
અમૃતનો અનુભવ
(પ્રવચનસાર ગા–૧૧પ ના પ્રવચનમાંથી)
ભાઈ, તું તારામાં....પર પરમાં, સૌ વ્યવસ્થિતપણે પોતપોતાના સ્વરૂપમાં
સત્તપણે રહેલાં છે, કોઇ કોઇમાં ડખલગીરી કરી શકતું નથી.
સ્વ સ્વમાં....ને પર પરમાં....એવું ભિન્નપણું જાણનાર જીવ શાંતિનો અનુભવ
પરમાં શોધતો નથી પણ સ્વ સન્મુખ થઇને પોતામાં જ શાંતિ અનુભવે છે. પરમાં જે
જીવ શાંતિ શોધે તેને શાંતિનો અનુભવ થઇ શકતો નથી, કેમકે આ જીવની શાંતિ
પરમાં નથી.
જીવ પોતે પરરૂપે અસત્ છે–છતાં ત્યાં પણ જાણે પોતાની સત્તા હોય–એમ
માનીને જે તેનો કર્તા થવા જાય છે તે પોતાના સત્ને ભૂલીને અસત્ને સેવે છે એટલે કે
મિથ્યામાન્યતાને સેવે છે.
‘અનેકાન્ત’ તેને સમજાવે છે કે રે ભાઈ! તારું સત્ તારામાં ને પરનું સત્
પરમાં; તારી સત્તામાં પર નથી ને પરની સત્તામાં તું નથી. તો પર તારામાં શું કરે?
આમ સ્વપરની ભિન્નભિન્ન સત્તાને જાણીને તું તારા સત્ સ્વરૂપમાં રહે. સત્ની શ્રદ્ધા,
સત્નું જ્ઞાન, ને સત્માં રમણતા એમ કરતાં તારા સત્માંથી કેવળજ્ઞાન જ્યોત ઝબકી
ઉઠશે. આનંદનો પ્રવાહ તારા સત્માંથી વહેશે. તારું બધું તારામાંથી આવશે. પરમાંથી
તારે કાંઇ લેવું પડે તેમ નથી.
જગત આખાને તું જાણ ખરો,–એવું તારું સામર્થ્ય છે. પણ તે સામર્થ્ય વડે પરમાં
તું કાંઇ કરી શકે નહી. કેમકે તારું સામર્થ્ય પરમાં નથી;–તારું અનંત અચિંત્ય બેહદ
સામર્થ્ય હોવા છતાં તે સામર્થ્ય તારામાં જ સમાય છે.
જડના એકેક રજકણમાં તેના સ્વરૂપનું અનંત સામર્થ્ય છે, જગતમાં કોઇની
તાકાત નથી કે તેના સ્વરૂપને બીજી રીતે કરી શકે! જડનું સ્વરૂપ જડથી પરિપૂર્ણ છે.
જીવનું સ્વરૂપ જીવથી પરિપૂર્ણ છે. ભાઈ તારું સ્વરૂપ જ્યાં તારાથી જ પરિપૂર્ણ છે ત્યાં
બીજા કોની સામે તારે જોવું છે? કોની પાસેથી તારે મદદ લેવી છે? છોડી દે એ
પરાશ્રયની બુદ્ધિ! ને અંર્તમુખ થઇને તારા પૂર્ણ સ્વરૂપનો આશ્રય કર. તેના આશ્રયે
તને તારા સ્વરૂપના આનંદનું અચિંત્ય અમૃત અનુભવાશે.