Atmadharma magazine - Ank 247
(Year 21 - Vir Nirvana Samvat 2490, A.D. 1964).

< Previous Page   Next Page >


PDF/HTML Page 39 of 83

background image
શ્રી કાનજીસ્વામી–હીરકજયંતી–અભિનંદન–અંક
ઃ ૩૨ઃ વૈશાખ સુદ ૨
નથી. એ જ રીતે એકલા વિકલ્પવડે કે અનુમાનવડે પણ તે જણાય તેવો નથી, ને તે
પોતે પણ એકલા અનુમાનથી જાણનારો નથી. પ્રત્યક્ષ જ્ઞાતા એવો આત્મા છે, તે
સ્વસંવેદન પ્રત્યક્ષ પૂર્વક જ જણાય તેવો છે.
હવે એવું સ્વસંવેદન ક્યાંથી આવે? સ્વસંવેદનરૂપ જ્ઞાન–ઉપયોગ આત્મા
ક્યાંય બહારથી નથી લાવતો, એ તો અંતરમાંથી જ પ્રગટે છે. અંતરજાગૃતિ તરફ
વળ્‌યા વગર આ વાત કોઇ રીતે બેસે તેવી નથી. અને અંતરની જાગૃતિ થઇને જે
સ્વસંવેદન થયું, જે ઉપયોગ પ્રગટયો, તેને કોઇ હણી શકતું નથી. આવો ઉપયોગ તે
આત્માનું ચિહ્ન છે.
જુઓ આ આત્માનું અસાધારણ સ્વલક્ષણ છે. આ લક્ષણવડે આત્માને
સમસ્ત પરદ્રવ્યોથી જુદો પાડી શકાય છે. આવા સ્વલક્ષણથી ઓળખે તો જ
આત્માને ઓળખ્યો કહેવાય અને તો જ આત્મા પરદ્રવ્યના સંપર્કથી છૂટીને મુક્તિ
પામે. પણ જો રાગાદિ લક્ષણવડે કે દેહાદિ લક્ષણવડે આત્માને ઓળખે તો પરથી
ભિન્ન શુદ્ધ આત્મા ઓળખતો નથી; રાગાદિ તો પરમાર્થ પરજ્ઞેય છે, તેના ચિહ્નવડે
સ્વજ્ઞેય જણાય નહીં.
એકલી પર્યાયના ગ્રહણવડે એટલે કે પર્યાયના જ્ઞાનવડે આખો આત્મા સ્વજ્ઞેય
થતો નથી. નિર્મળ પર્યાય પ્રગટી તે જોકે આત્મામાં અભેદ થઇ છે, ને તેણે સ્વજ્ઞેયને
જાણ્યું છે, પરંતુ શુદ્ધદ્રવ્યમાંથી નિર્મળ પર્યાયનો ભેદ પાડીને લક્ષમાં લ્યે તો ત્યાં અખંડ
શુદ્ધદ્રવ્ય સ્વજ્ઞેય થતું નથી. માટે તે શુદ્ધદ્રવ્ય પર્યાય–વિશેષથી આલિંગિત નથી–એમ કહ્યું.
શુદ્ધદ્રવ્ય અને શુદ્ધપર્યાય બન્ને થઇને આખું સ્વજ્ઞેય છે. આત્મદ્રવ્ય પરદ્રવ્યોથી તો
આલિંગિત નથી, રાગથી પણ આલિંગિત નથી, અને નિર્મળ પર્યાય પ્રગટી તે પર્યાયના
ભેદવડે પણ શુદ્ધદ્રવ્ય આલિંગિત નથી.
ચૈતન્યચિહ્નમાંથી પરદ્રવ્ય તો ક્યાંય જુદા રહ્યા, રાગાદિ અશુદ્ધતા તો કાઢી
નાખી, પરાવલંબી ઉપયોગ પણ કાઢી નાખ્યો, ને છેવટે સ્વસંવેદનથી પ્રગટેલી
નિર્મળપર્યાય તેના ભેદને પણ કાઢી નાખે છે, પ્રગટેલી નિર્મળપર્યાય ઉપર લક્ષ
રાખીને આખા આત્માને સ્વજ્ઞેય બનાવી શકાતો નથી. એટલે એકલી પર્યાયના
જ્ઞાનવડે તેનું ગ્રહણ થતું નથી–માટે આત્મા અલિંગગ્રહણ છે.