સમયની પર્યાયના ગ્રહણવડે (તેના જ્ઞાનવડે) આખા આત્માનું ગ્રહણ (જ્ઞાન) થતું
નથી. તો કઇ રીતે તેનું ગ્રહણ થાય? કે દ્રવ્ય–ગુણ–પર્યાયથી અભેદરૂપ જે અખંડ સ્વજ્ઞેય
તેની સન્મુખતા વડે જ તેનું ગ્રહણ થાય છે. જ્ઞાનગુણની પર્યાય હો, કે શ્રદ્ધા વગેરે કોઇ
પણ ગુણની પર્યાય હો, તે પર્યાયવિશેષથી એટલે પર્યાયના ભેદ પાડીને લક્ષમાં લેતાં શુદ્ધ
આત્મા સ્વજ્ઞેય થતો નથી.
શુદ્ધપર્યાય પ્રગટ કરીને તેનું સ્વસંવેદન કરનાર જીવ, પ્રત્યભિજ્ઞાનના વિષયભૂત જે
એકલું સામાન્ય દ્રવ્ય, તેને સ્પર્શતો નથી; શુદ્ધપર્યાય થઇ છે તો દ્રવ્યના આશ્રયે; પરંતુ
શુદ્ધપર્યાયના સ્વીકાર વગર સ્વજ્ઞેયનો સ્વીકાર થતો નથી. માટે આત્મા દ્રવ્યથી નહિ
આલિંગિત એવો શુદ્ધપર્યાય છે–એમ કહ્યું. શુદ્ધપર્યાયના વેદનને સ્વીકાર્યા વગર એકલા
સામાન્યદ્રવ્યને લક્ષમાં લઇને આત્માને જ્ઞેય કરવા જાય તો તે જ્ઞેય થતો નથી. માટે
આત્મા શુદ્ધપર્યાય છે. કેવો? કે દ્રવ્યથી નહિ આલિંગિત એવો. ૧૮મા બોલમાં
ગુણભેદરહિત શુદ્ધદ્રવ્ય કહ્યું. ૧૯મા બોલમાં વિશેષપર્યાયથી નહિ આલિંગિત એવું
શુદ્ધદ્રવ્ય કહ્યું, અને ૨૦મા બોલમાં દ્રવ્યસામાન્યથી નહિ આલિંગિત એવો શુદ્ધપર્યાય–
એમ કહ્યું; એ રીતે શુદ્ધદ્રવ્ય–ગુણ–પર્યાયની એકતારૂપ અખંડ સ્વજ્ઞેય બતાવીને
આચાર્યભગવાને મહા ઉપકાર કર્યો છે.
સાક્ષાત્કાર કરાવ્યો છે.