શ્રી કાનજીસ્વામી–હીરકજયંતી–અભિનંદન–અંક
ઃ પ૦ઃ વૈશાખ સુદ ૨
‘સર્વજ્ઞ છે’ તેને કોઇ બાધક પ્રમાણ નથી. આત્માનો સ્વભાવ જ જ્ઞાન
છે. તેમાં શરીરાદિ તો ક્યાંય રહ્યાં, ને રાગાદિ પણ તેના સ્વભાવમાં નથી.
આત્મામાં જ્ઞાનાદિ અનંતગુણો ત્રિકાળ ધ્રુવ છે, તેમાં ક્ષણે ક્ષણે પલટો થાય છે
તે પલટો સ્વભાવના આશ્રયે થતાં જ્ઞાન–આનંદ વગેરે ખીલે છે, પણ કોઇ
નિમિત્ત વગેરેના આશ્રયે જ્ઞાનાદિ ખીલતાં નથી. પર્યાયમાં રાગાદિ અને
અલ્પજ્ઞતા છે. તે તો ઉપરનો ક્ષણિક ભાગ છે ને ધ્રુવ સ્વભાવ પૂર્ણ ત્રિકાળ છે.
આત્મા ચૈતન્ય હીરો છે, તેની પર્યાયના એક પાસામાં જરાક ડાઘ છે, પણ
જ્ઞાન–દર્શન–આનંદનો કંદ આખો ચૈતન્ય હીરો ડાઘવાળો નથી. એમ પર્યાયને
ગૌણ કરીને ધ્રુવ આનંદકંદ ચિદાનંદ સ્વભાવને પ્રતીતમાં લઇને તેમાં એકાગ્રતા
કરતાં આત્મામાંથી રાગાદિ નીકળીને પૂર્ણ જ્ઞાન–આનંદ પ્રગટે છે. સર્વજ્ઞતા થાય
ત્યાં પૂર્ણ આનંદ હોય જ.
પહેલાં સાધક દશામાં અધૂરો આનંદ હતો; અજ્ઞાનીએ પરમાં સુખ અને આનંદ
માન્યો હતો, તેને બદલે હું તો પરથી ભિન્ન ચિદાનંદ સ્વભાવ છું–એમ અંતરદ્રષ્ટિનો
વિષય કરતાં સ્વભાવમાંથી આનંદ પ્રગટયો ને પૂર્ણાનંદની પ્રતીત થઇ ગઇ. જૂઓ, આ
સર્વજ્ઞની પ્રતીત!
હું મારા આત્મામાં પૂર્ણજ્ઞાન અને આનંદ પ્રગટ કરવા માગું છું તો મારા પહેલાં
પૂર્ણજ્ઞાન–આનંદ પ્રગટ કરનારા જીવો થઇ ગયા છે, તે કેવા છે? ક્યાં છે? કેટલા છે?
એમ નક્કી કરવું જોઇએ.
અનાદિકાળથી ક્રમે ક્રમે સર્વજ્ઞો થતા જ આવે છે, સિદ્ધલોકમાં એવા અનંત સિદ્ધો
સર્વજ્ઞપણે બિરાજે છે, મહાવિદેહમાં સીમંધરાદિ તીર્થંકરો અને લાખો કેવળી ભગવંતો
અત્યારે દેહસહિત સર્વજ્ઞપણે બિરાજે છે.
આ રીતે અનાદિકાળ, સિદ્ધલોક, મહાવિદેહ ક્ષેત્ર એ બધું કબૂલ્યા વિના
સર્વજ્ઞને માની શકે નહિ. જે સર્વજ્ઞ થયા તે બધાય પોતાના આત્મામાંથી જ થયા
છે–એમ નક્કી કરીને પોતે પોતાના આત્માના સર્વજ્ઞ સ્વભાવની પ્રતીતિ કરવી તે
પ્રથમ ધર્મ છે.
કેવળી સર્વજ્ઞ કેવા હોય? ક્યાં હોય? તે સર્વજ્ઞતા ક્યાંથી પ્રગટે? તે સર્વજ્ઞતાના
સાધક સંતોની દશા કેવી હોય? ને સર્વજ્ઞનાં કહેલાં શાસ્ત્રો કેવાં હોય? આ બધું નક્કી
કર્યા વિના ધર્મ થાય નહિ.