શ્રી કાનજીસ્વામી–હીરકજયંતી–અભિનંદન–અંક
વૈશાખ સુદ ૨ઃ ૬૭ઃ
વાર્તા અગિયારમી
વૈરાગ્યવંત હાથી
લંકાનો રાજા રાવણ...એની પાસે લાખો હાથી, તેમાં સૌથી મુખ્ય હાથીનું
નામ ત્રિલોકમંડન! રાજા રાવણે સમ્મેદશિખર પાસેના મધુવનમાંથી એને પકડયો
હતો.
પછી તો રામ અને રાવણ વચ્ચે મોટી લડાઇ થઇ...રાવણ મરાયો; રામ જીત્યા; ને
ત્રિલોકમંડન હાથીને લઈને સૌ અયોધ્યા આવ્યા. એ હાથી બહુ પુણ્યવાન! બહુ વૈરાગી!
ને બહુ સંસ્કારી.
ભરતને એ હાથી બહુ વહાલો, ને એ હાથીને પણ ભરત ઉપર ઘણું વહાલ,
એકવાર એ હાથી ઉશ્કેરાઇને ભાગ્યો ને હાહાકાર મચાવી દીધો; પણ ભરતને
દેખતાં જ તે શાંત થઇ ગયો. ભરતે તેને વૈરાગ્યનો ઉપદેશ આપ્યો.
એકવાર દેશભૂષણ અને કુલભૂષણ નામના બે કેવળી ભગવંતો અયોધ્યા
પધાર્યા; રામચંદ્ર, લક્ષ્મણ, ભરત અને શત્રુઘ્ન સૌ ત્રિલોકમંડન હાથી ઉપર બેસીને
તેમના દર્શન કરવા ગયા. ભગવંતોને દેખીને ચારે ભાઈ પ્રસન્ન થયા, હાથી પણ
ખુશી થયો. ત્યાં ભગવાનનો ઉપદેશ સાંભળીને ભરત તો દીક્ષિત થયા. હાથી પણ
વૈરાગ્ય પામ્યો ને સમ્યગ્દર્શન સહિત વ્રત અંગીકાર કર્યા. એણે આભૂષણો છોડી
દીધા. પંદર પંદર ઉપવાસ કર્યા. એ વૈરાગી હાથીને નગરજનો ભક્તિપૂર્વક પારણું
કરાવી રહ્યા છે.
હાથી જેવા પ્રાણી પણ કેવો ધર્મ સાધી શકે છે, ને ધર્માત્મા શ્રાવકોને
કેવો વાત્સલ્યભાવ આવે છે–તે આપણને સ્વાધ્યાય મંદિરનું આ ચિત્ર ઉપદેશી
રહ્યું છે.