એટલું જ નહિ, ભારતના જીવોને પણ એ જ માર્ગે આવવાની હાકલ કરીને અધ્યાત્મની
જે મહાન ક્રાન્તિ તેમણે સર્જી છે તે જૈનશાસનના સુવર્ણપટ ઉપર હીરાના અક્ષરોથી
આલેખાઈ ગઈ છે. એ ક્રાન્તિકારની વીરહાક સાંભળીને ભારતના ખૂણેખૂણેથી જાગેલા
હજારો જીવોએ પરાધીનદ્રષ્ટિના બંધનની બેડી તોડી નાંખી છે; સ્વાધીનદ્રષ્ટિના પુરુષાર્થ
પાસે ‘વેઠના વારા’ જેવી ઓશીયાળીવૃત્તિના ગઢ તૂટી પડ્યાં છે....ને અધ્યાત્મની એક
મહાન ક્રાન્તિના વિજયનો ધર્મધ્વજ જૈનશાસનના ઊંચા આકાશમાં આનંદથી લહેરાઈ
રહ્યો છે. એ ધર્મધ્વજની છાયામાં જીવનમાં આધ્યાત્મિક આંદોલનો જગાડીને, આત્મામાં
ધર્મક્રાન્તિદ્વારા પરમ શાન્તિ પ્રાપ્ત કરવી તે આપણું કર્તવ્ય છે.