એ ઢંઢેરો પ્રગટ કરનાર રાજવી પ્રત્યે પણ તેને બહુમાન જાગે છે. પ્રજાની સ્વાધીનતાનો
કે સુખનો વિરોધ કરનાર સજાને પાત્ર થાય છે. તેમ જગતનાં ધર્મરાજા ભગવાન
સર્વજ્ઞદેવે જગતના પ્રાણીઓના સ્વાધીનસુખને માટે સ્વતંત્રતાનો દિવ્ય ઢંઢેરો પ્રસિદ્ધ
કર્યો છે કે, હે જીવો! તમારી સર્વ સત્તા, સર્વ સંપત્તિ, સર્વ ગુણો તમારામાં સ્વાધીન છે,
તેમાં બીજા કોઈનો અધિકાર કે હસ્તક્ષેપ નથી; સ્વાધીનપણે તમે તમારા સુખને
ભોગવો. અહા, આવો સ્વતંત્રતાનો ઢંઢેરો સાંભળીને કોને ખુશી ન થાય? ને એ
ધર્મરાજા પ્રત્યે કોને બહુમાન ન જાગે!! જે આવી સ્વાધીનતાના ઢંઢેરાનો વિરોધ કરે છે
તે સમસ્ત પ્રાણીઓના સ્વાધીનસુખનો વિરોધ કરે છે, તેથી તે મહાન સજાને (એટલે કે
ઘોર સંસારરૂપી જેલને) પાત્ર છે. મુમુક્ષુ સજ્જનોને આવી સ્વાધીનતાનો ઢંઢેરો
સંભળાવનાર પ્રત્યે પરમ આદર બહુમાન જાગે છે.
દિવ્યધ્વનિના નાદે જગતમાં પ્રસિદ્ધ કર્યો, કુંદકુંદાદિ મહાન સંતોએ જે ઢંઢેરો ઝીલીને
પસરાવ્યો, એ જ સ્વાધીનતાના ઢંઢેરાનો પાવન સન્દેશ આજે આપણને સંભળાવી રહ્યા
છે ગુરુ કહાન! અહા, કેવી સ્વતંત્રતા! સુખનો કેવો સુંદર માર્ગ! હે ભાઈ! એ
સ્વતંત્રતાના સન્દેશવાહક સન્તો કહે છે કે તારો આત્મા, તારા ગુણો, તારું પરિણમન–એ
બધુંય તારામાં સ્વતંત્ર છે; તું તારાથી જ પરિપૂર્ણ છો, જગતની ગમે તેવી અનુકૂળતા કે
પ્રતિકૂળતા વચ્ચે પોતે પોતાના ભાવમાં અડોલપણે ટકી શકે એવું સામર્થ્ય તારામાં છે. –
કબુલ કર એકવાર તારી સ્વાધીનતાને–! ને જો તારા અંતરમાં? ત્યાં કેવું સુખ ભર્યું છે!
બસ, આવા આત્માને ઓળખીને તેનો સ્વાશ્રય કરવાનું ભગવાન ધર્મરાજા તીર્થંકરોનું
ફરમાન છે. ધર્મરાજાના આ ફરમાનને જેઓ નહિ સ્વીકારે ને પોતાના અપરાધ બીજા
ઉપર ઢોળશે, બીજો મને સુખી દુઃખી કરે એમ માનશે તેઓ ભગવાનના ધર્મરાજ્યમાં
ગુનેગાર ગણાશે. અરે જીવ! શું તું બાહ્ય પદાર્થોના સંયોગ ઉપર આધાર રાખીને તેમાંથી
સુખ લેવા માંગે છે? –કદી નહિ મળે તને સુખ! શું પરાધીનતામાં સુખ હોય? સુખ તો
સ્વાધીનતામાં હોય. માટે આ સ્વતંત્રતાની હાકલ સાંભળીને જાગ... સ્વાધીન પુરુષાર્થના
રણકારમાં કોઈ અનેરો આહ્લાદ તને અનુભવાશે.