Atmadharma magazine - Ank 248
(Year 21 - Vir Nirvana Samvat 2490, A.D. 1964).

< Previous Page   Next Page >


PDF/HTML Page 47 of 55

background image
: ૩૪ : આત્મધર્મ : જેઠ : ૨૪૯૦
ભ.ગ.વ.ત અ.ર.ધ.ન.
સમન્તભદ્રસ્વામીના શિષ્ય શિવકોટીઆચાર્યદ્વારા રચાયેલું ૨૧૬૬ ગાથાનું આ
મહાન આરાધનાશાસ્ત્ર–જેમાં મુનિઓનાં આચરણની પ્રધાનતાપૂર્વક ચાર આરાધનાનું
ભાવભીનું વર્ણન કર્યું છે–તે ગુરુદેવને ઘણું પ્રિય છે, તેમાંય ઉગ્ર પુરુષાર્થપ્રેરક
‘કવચઅધિકાર’ નું તો તેઓ વારંવાર પ્રવચનમાં વર્ણન કરે છે...જે સાંભળતાં મુનિવરો
પ્રત્યેની અતિશય ભક્તિથી શ્રોતાનું હૃદય ભીંજાઈ જાય છે...ને હૃદયસમક્ષ એવું દ્રશ્ય ખડું
થાય છે કે જાણે જંગલમાં મુનિઓનો સમૂહ બિરાજી રહ્યો છે... તેમાંથી કોઈક
મુનિરાજના સમાધિમરણનો પ્રસંગ છે, અનેક મુનિવરો ભક્તિ અને વાત્સલ્યથી
મુનિસેવામાં તત્પર છે...અંતસમયની તૈયારીમાં મુનિને કદાચિત પાણીની વૃત્તિ ઊઠતાં
‘પા...ણી’ એમ બોલાઈ જાય છે...ત્યાં બીજા મુનિઓ કે આચાર્ય સ્નેહથી–મીઠાસથી
ધોધમાર વૈરાગ્યઉપદેશની ધારા વરસાવીને એની પાણીની વૃત્તિ તોડી નાંખે છે: અરે
મુનિ! અત્યારે આરાધનાનો ને સમાધિમરણનો અવસર છે, અત્યારે તો નિર્વિકલ્પ શાંત
રસના પાણી પીવાનો અવસર છે...તેમાં વચ્ચે આ વૃત્તિ શી!! આરાધનાને યાદ કરો,
કાયર ન થાવ. સ્વયંભૂરમણ દરિયા ભરાય એટલા પાણી અનંત વાર પીધાં.... માટે એ
વૃત્તિ તોડો.....તમે તો ચૈતન્યના નિર્વિકલ્પ અનુભવના અમૃત પીનારા છો...માટે એ
નિર્વિકલ્પ આનંદના દરિયામાં ડૂબકી મારો....આમ ધોધમાર વૈરાગ્યની ધારા વરસાવે છે
ને અનેક મહા મુનિઓના દ્રષ્ટાંત આપે છે...ત્યાં પહેલા મુનિ પણ પાણીનો વિકલ્પ
તોડીને પાછા સ્વરૂપમાં ઠરી જાય છે. જેમ લડાઈમાં રક્ષણ માટે યોદ્ધાઓ કવચ
(બખ્તર) પહેરે તેમ સમાધિમરણ ટાણે આરાધનાની રક્ષા માટે વૈરાગ્યના ઉત્તમ
ઉપદેશથી ભરપૂર એવા ગુરુવચનરૂપી કવચનું અલૌકિક વર્ણન કર્યું છે. ભગવતી
આરાધનાના આ કવચઅધિકાર ઉપર તેમજ બીજા અનેક ભાગો ઉપર ગુરુદેવે પ્રવચન
કરેલા છે. એક પ્રસંગમાં,–જ્યારે એક આચાર્ય વૈરાગ્યથી પોતાનું આચાર્યપદ છોડીને
બીજા આચાર્યને સોંપે છે ને સંઘના મુનિઓ પાસે ક્ષમા માંગીને હિતોપદેશ આપે છે, ને
તે વખતે સંઘના મુનિઓ પણ આચાર્ય પ્રત્યે ભક્તિથી ગદગદ થઈને પરમ ઉપકારના
ઉદ્ગારો કહે છે, તથા ક્ષમા માગે છે–એ વખતના એ મુનિઓનાં, એ ગુરુ–શિષ્યોના
પરસ્પરના અચિંત્ય વાત્સલ્યભાવનો ચિતાર ગુરુદેવે પ્રવચનમાં ખડો કર્યો ત્યારે
શ્રોતાજનોનાં નયનો આંસુથી ભીંજાઈ ગયા હતા. ગુરુદેવ ‘ભગવતીઆરાધના’ હાથમાં
લ્યે ત્યાં જ મુનિવરોનું જીવન નજરસમક્ષ તરવરવા લાગે છે.
(અભિનંદનગં્રથમાંથી)