: ૧૦ : આત્મધર્મ : ભાદરવો :
૧૩. શુદ્ધતાનું સાધન પણ શુદ્ધ જ હોય. અશુદ્ધતા સાધન થઈને
શુદ્ધતાને સાધે એમ ખરેખર બનતું નથી.
૧૪. ખરેખર તો જે શુદ્ધરત્નત્રયપર્યાય થઈ તે રૂપે પરિણમેલો આત્મા
જ તેનો કર્તા છે. પર્યાયનો ભેદ પાડીને પૂર્વપર્યાયને
(–શુદ્ધપર્યાયને) સાધન કહેવું તેમાં પણ ભેદરૂપ વ્યવહાર છે.
પણ બંનેની જાત એક છે, તેથી અભેદ સાધન–સાધ્ય કહેવાય.
૧૫. આમાં રાગની કે પરના સાધનની તો વાત ક્યાં રહી? એકલા
સ્વદ્રવ્યનું અભેદ અવલંબન તે જ સાધ્યની સિદ્ધિનો ઉપાય છે; એ જ
સાધન છે, બીજું કોઈ ભિન્ન સાધન મોક્ષને સાધવા માટે નથી.
૧૬. ધર્માત્માને સ્વાશ્રયે જેટલો રત્નત્રયભાવ પ્રગટ્યો તેટલું
શુદ્ધસાધન છે.
૧૭. ધર્માત્મા પોતાના જ સાધનદ્વારા અંતરમાં પોતાનું અવલોકન કરે છે.
૧૮. શુદ્ધાત્મામાં પ્રવૃત્તિરૂપ જે ચારિત્ર તે નિશ્ચયમોક્ષમાર્ગ છે.
સમ્યગ્દર્શન ને સમ્યગ્જ્ઞાન તો તેના પેટામાં સમાઈ જ ગયા.
૧૯. સમ્યગ્દર્શન ઉપરાંત ચૈતન્યના આનંદમાં મશગૂલ થઈ જવું તે
મોક્ષમાર્ગ છે.–ત્યાં એવોય વિકલ્પ નથી કે હું આનંદમાં મશગૂલ થાઉં.
૨૦. છઠ્ઠાગુણસ્થાનેય નિશ્ચય સમ્યગ્દર્શન ને સમ્યગ્જ્ઞાન તો વર્તે જ
છે; પણ શુદ્ધોપયોગી ચારિત્ર નથી–તે અપેક્ષાએ ત્યાં હજી
વ્યવહાર મોક્ષમાર્ગ કહેવાય; ને જ્યારે નિર્વિકલ્પ શુદ્ધોપયોગી
થઈને પરિણમે ત્યારે રત્નત્રયની અભેદતા ગણીને ત્યાં
નિશ્ચયમોક્ષમાર્ગ કહ્યો.
૨૧. નિશ્ચયસમ્યગ્દર્શનની શરૂઆત તો ચોથાગુણસ્થાનથી જ થઈ ગઈ છે;
ત્યાં કાંઈ એકલો વ્યવહાર નથી. એકલા વ્યવહારથી કાંઈ મોક્ષમાર્ગ
હોતો નથી. નિશ્ચયનો અંશ હોય ત્યાંજ મોક્ષમાર્ગ શરૂ થાય છે.
૨૨. ચૈતન્યમૂર્તિ આત્મા સુખથી ભરેલો છે; તેને સુખના અભાવનું
કારણ સ્વભાવનો પ્રતિઘાત છે.
૨૩. ચૈતન્યનો સ્વભાવ જ્યાં પૂરો ખીલી જાય ત્યાં પૂરું સુખ પ્ર્રગટી જાય છે.
૨૪. ચૈતન્યમાં આનંદના અનુભવનો જ્યાં અભાવ છે ત્યાં તેને
જ્ઞાનદર્શન સ્વભાવમાં પ્રતિકૂળતાનો સદ્ભાવ છે, આવરણ છે.