: ૧૨: આત્મધર્મ : ભાદરવો:
૩૮. સમ્યગ્દ્રષ્ટિએ પોતાના પરમેશ્વરપદને અંતરમાં દેખ્યું છે, ને તેને
પર્યાયમાં પ્રભુતા ખીલ્યા વગર રહેતી નથી.
૩૯. અંતરમાં પ્રભુતાને દેખી ને પર્યાયમાં પ્રભુતા ન પ્રગટે એમ બને નહિ.
૪૦. આજનો દિવસ પ્રભુતા પ્રગટ કરવા માટેનો છે. આજે તો
આનંદનો દિવસ છે. આજના દિવસની વિશેષતા છે....(અહીં
ગુરુદેવે જે આનંદકારી વાત કરી તેથી સભામાં હર્ષાનંદનું
વાતાવરણ છવાઈ ગયું હતું.)
૪૧. જ્ઞાનીને પુણ્યની સામગ્રીમાં પ્રીતિ નથી, ને પ્રતિકૂળ સામગ્રીમાં ભય
નથી. પરદ્રવ્યો જુદા છે ને પરભાવો હેય છે, જ્ઞાનીને તેમાં રુચિ નથી.
૪૨. ધર્માત્માને લગની લાગી છે–જ્ઞાયકસ્વભાવ પ્રત્યે.
૪૩. જ્ઞાનીને કદાચ બહારમાં ચક્રવર્તીરાજનો સંયોગ હોય ને
અજ્ઞાનીને કદાચ બહારમાં કાંઈ પરિગ્રહ ન દેખાય, તોપણ
અંતરમાં અજ્ઞાનીને પરિગ્રહનો પ્રેમ છે, ને જ્ઞાનીને પરિગ્રહની
પ્રીતિ છૂટી ગઈ છે–કેમકે તેમાં સ્વપ્નેય પોતાનું ભોકતૃત્વ
ભાસતું નથી, તેમાં ક્્યાંય સુખબુદ્ધિ નથી. ભોકતૃત્વ તો
સ્વભાવના આનંદનું જ છે.
૪૪. જ્ઞાની જાણે છે કે આનંદનું ઝરણું મારા આત્મામાં વહે છે. એ
આનંદના ઝરણામાં કોઈ મલિનતા નથી, પરભાવ નથી.
૪૫. જ્ઞાની ધર્માત્માને દેવ–ગુરુની અપૂર્વ ઓળખાણ થઈ છે તેથી
ભક્તિ–વિનયના ભાવો પણ તેને અપૂર્વ હોય છે. છતાં તેમાં જે
રાગાંશ છે તે રાગની મહત્તા ચૈતન્ય પાસે ભાસતી નથી.
૪૬. ભગવાન આત્મા તો ચૈતન્યરસથી ભરપૂર છે, તેને ચૂસતાં
(અનુભવતાં) આનંદનો સ્વાદ આવે છે.
૪૭. ધર્માત્મા વિકારને ચૂસતા નથી, તેનો સ્વાદ લેતા નથી, પણ
જ્ઞાનવડે ચૈતન્યના આનંદ રસને જ તે ચૂસે છે.
૪૮. આનંદને અને રાગને એકમેકપણું કદી નથી. આનંદને અને
જ્ઞાનને એક મેકપણું છે.
૪૯. ભગવાન આત્મા આનંદની મૂર્તિ, અને રાગ તો આકુળતાની
મૂર્તિ; તો જેણે અંતર્મુખ થઈને આનંદનો સ્વાદ ચાખ્યો તે
રાગના સ્વાદનો ભોક્તા કેમ થાય?