: ભાદરવો : આત્મધર્મ : ૧૩ :
૫૦. જ્ઞાનીને જેમ જગતની પ્રતિકૂળતાનો ભય નથી તેમ જગતની
અનુકૂળતાની પ્રીતિ પણ નથી. જગતના પદાર્થોની સાથે જ્યાં
કર્તાભોક્તાપણાનો અભાવ છે ત્યાં તેમાં ઈષ્ટઅનિષ્ટપણું ક્યાં
રહ્યું? ને જ્યાં ઈષ્ટઅનિષ્ટપણું નથી ત્યાં રાગદ્વેષ પણ ક્યાં રહ્યા?
એટલે જ્ઞાનીને રાગદ્વેષનું કર્તૃત્વ પણ જ્ઞાનમાંથી નીકળી ગયું છે.
૫૧. ચૈતન્યરસનો રસગુલ્લો તો આત્મા છે. ભગવાન્! દૂધપાકમાં ને
રસગુલ્લામાં તારો સ્વાદ નથી, તારો સ્વાદ ને આનંદ તો તારા
ચૈતન્યરસમાં ભરેલા છે. એ ચૈતન્યનું લક્ષ કરાવીને જ્ઞાની તને
તારા ચૈતન્યના દૂધપાક ને ચૈતન્યના રસગુલ્લા જમાડે છે....
તેનો સ્વાદ લે. એના સ્વાદમાં અપૂર્વ આનંદ છે.
એવા આનંદાનુભવી સંતોને નમસ્કાર
જિનવચનને ગ્રહીને
શુદ્ધરત્નત્રયરૂપ આત્મસ્વભાવ તે શીલ છે; એવા શીલની આરાધનાવડે
સિદ્ધાલયની પ્રાપ્તિ થાય છે. જે ધીર મહાત્માઓ આવા શીલના ધારક છે તેમનો જન્મ
ધન્ય છે. આવા શીલધર્મની પ્રાપ્તિ જિનવચનથી થાય છે. ભગવંતકુંદકુંદસ્વામી
શીલપ્રાભૃતમાં કહે છે કે–
जिनवचनगृहीतसारा विषयविरक्ताः तपोधना धीरा।
शीलसलिलेन स्नाताः ते सिद्धालयसुखं यांति।।३८।।
જિનવચનવડે જેણે સારને ગ્રહણ કર્યો છે અર્થાત્ જેણે જિનવચનના સારને
ગ્રહણ કર્યો છે,–સાર શું?–કે શુદ્ધ આત્મા અથવા શુદ્ધ રત્નત્રય તે જ જિનવચનનો સાર
છે; એવો સાર જેણે ગ્રહણ કર્યો છે, અને તેનું ગ્રહણ કરીને વિષયોથી વિરક્ત થયા છે,
એવા ધીર તપોધન–કે જેઓ શીલરૂપી પવિત્ર જળવડે સ્નાન કરીને વિશુદ્ધ થયા છે તેઓ
સિદ્ધાલય–સુખને પામે છે.
જુઓ, આ જિનવચનના ગ્રહણનું ફળ! જિનવચન શુદ્ધાત્માનું ગ્રહણ કરાવે છે
ને વિષયોથી વિરક્તિ કરાવે છે. સ્વ સન્મુખ થઈને જેણે શ્રદ્ધામાં, જ્ઞાનમાં ને ચારિત્રમાં
શુદ્ધ આત્માનું ગ્રહણ કર્યું તેણે જિનવચનના સારનું ગ્રહણ કર્યું. જિનવચનના જ્ઞાન વગર
સત્ય સાર હાથમાં આવે નહિ. પોતાના નિજસ્વરૂપની પ્રાપ્તિ તે જિનવચનનો સાર છે, તે
જ શીલ, આરાધના અને મોક્ષમાર્ગ છે, એના વગરનું બધુંય નિસ્સાર છે. આ પ્રકારે
જિનવચનનો સાર જે ગ્રહણ કરે છે તે સિદ્ધાલયના સુખને પામે છે. (પ્રવચનમાંથી)