: ભાદરવો : આત્મધર્મ : ૨૧ :
ચૈતન્યની સ્ફૂરણા ક્યારે જાગે? કે જ્યારે અંતરમાં ડૂબકી મારીને ચૈતન્યસ્વભાવી
આત્માનો નિર્ણય કરે ત્યારે તેમાંથી ચૈતન્યકિરણો સ્ફૂરે અને તે ચૈતન્યકિરણમાં
(સમ્યક્ શ્રુતમાં) સમસ્ત તત્ત્વનો નિર્ણય કરવાની તાકાત છે; સમસ્ત આગમોનું
રહસ્ય તે જ્ઞાનમાં આવી જાય છે.
* એક બાજુ આખોય જ્ઞાનસ્વભાવ અનંતગુણથી ભરપૂર, તેની તો અચિંત્ય મહત્તા
ભાસતી નથી, ને કાંઈક શુભવિકલ્પ કરે, કંઈક કષાયની જરા મંદતા કરે, ત્યાં તો
‘ઓહો, ઘણું કરી નાંખ્યું’ –એમ મહત્તા લાગી જાય છે; તેને આચાર્યદેવ સમજાવે છે
કે અરે મૂઢ! આવું અજ્ઞાન તું ક્યાંથી લાવ્યો? ચૈતન્યની મહત્તાને બદલે વિકારની
મહત્તા તને ક્યાંથી ભાસી? સંતોએ તો શાસ્ત્રોમાં જ્ઞાનનો મહિમા ભર્યો છે તે તને
કેમ નથી દેખાતો? ને વિકારના કતૃત્વમાં કેમ રોકાણો છે? એ કર્તૃત્વબુદ્ધિ છોડ, ને
જ્ઞાનમહિમામાં ઉપયોગને જોડ.
* સિદ્ધાન્ત એ તો સન્તોના અનુભવના ઈશારા છે. પૂરો અનુભવ વાણીમાં તો કેમ
આવે? પણ સિદ્ધાન્તમાં તેનું માત્ર દિશાસૂચન આવ્યું છે, સંતોએ અનુભવના
ઈશારા સિદ્ધાન્તમાં ભર્યા છે. બાકી તો અનુભવગમ્ય વસ્તુ તે કાંઈ વાણીગમ્ય થાય
તેવી નથી.
* જ્ઞાન આત્માનું નિજલક્ષણ છે. તે જ્ઞાનલક્ષણમાં વિકારનું કર્તૃત્વ કે ભોકર્તૃત્વ નથી.
અને એ જ્ઞાનલક્ષણમાં જગતની કોઈ વસ્તુ અનુકૂળ કે પ્રતિકૂળ નથી. જ્ઞાનલક્ષણ
સ્વયં આનંદસહિત છે, તેમાં આનંદનો જ ભોગવટો છે.
* જ્ઞાનને જેમ જગતની પ્રતિકૂળતાનો ભય નથી, તેમ જગતની અનુકૂળતાની પ્રીતિ
પણ નથી. જગતના પદાર્થોની સાથે જ્યાં કર્તા કે ભોકતાપણાનો અભાવ છે ત્યાં
તેને ઈષ્ટ–અનિષ્ટ માનવાનું ક્યાં રહ્યું? ને ઈષ્ટ–અનિષ્ટપણું જ્યાં નથી ત્યાં રાગ દ્વેષ
પણ ક્યાં રહ્યા? એટલે જ્ઞાનીને રાગ–દ્વેષનું કર્તૃત્વ પણ જ્ઞાનમાંથી નીકળી ગયું છે.
* કેવળકિરણોથી શોભતો આ ભગવાન ચૈતન્યસૂર્ય તેને પ્રતીતમાં લેવામાં અપૂર્વ
ઉદ્યમ છે.... આખી પરિણતિ ગૂલાંટ ખાઈને અંદરમાં વળે છે. સાતમી નરકથી
માંડીને નવમી ગ્રૈવેયક સુધીમાં પરિભ્રમણ કરવા છતાં ચૈતન્યની પ્રભુતા જરાય
ખંડિત નથી થઈ. –એને પ્રતીતમાં લેતાં પરિભ્રમણ ટળે છે.
વૈરાગ્ય સમાચાર : વીંછીઆના જલુબેન મૂળચંદ શ્રાવણ વદ ૧૨ ના રોજ
જોરાવરનગર મુકામે સ્વર્ગવાસ પામ્યા છે....તેમને સત્સમાગમ માટે ઉત્કંઠા હતી ને
ગુરુદેવ પ્રત્યે ભક્તિભાવ હતો. તેઓ જિનશાસનની છાયામાં આત્મહિત પામો.