: ૨૨ : આત્મધર્મ : ભાદરવો :
પરમ વૈરાગ્યરૂપ માર્ગ
(શ્રી પંચાસ્તિકાય–પ્રવચનમાંથી... ભાદરવા સુદ પૂનમ)
જૈનધર્મ એ વીતરાગધર્મ છે, જૈનમાર્ગ એ વીતરાગમાર્ગ
છે; જૈનમાર્ગ કહો કે મુક્તિનો માર્ગ કહો–તે વીતરાગભાવમાં જ
સમાય છે. એટલે પરમ વૈરાગ્યરૂપ વીતરાગભાવ તે જ
મોક્ષમાર્ગ છે, તે જ મુમુક્ષુનું કર્તવ્ય છે. આવા સમ્યક્માર્ગનો
નિર્ણય કરીને પછી સ્વ–પર આત્મામાં તેનો ઉદ્યોત કરવો એ જ
ખરી માર્ગપ્રભાવના છે. કુંદકુંદસ્વામી આદિ સંતોએ આવી
માર્ગપ્રભાવના કરીને જગત ઉપર ઉપકાર કર્યો છે.
‘માર્ગ’ એટલે પરમ વૈરાગ્ય કરવા પ્રત્યે ઢળતી પારમેશ્વરી આજ્ઞા. જુઓ,
પરાશ્રય તરફ ઢળવાની કે રાગ તરફ ઢળવાની પરમેશ્વરની આજ્ઞા નથી. પરમેશ્વરની
આજ્ઞા તો પરમ વૈરાગ્યની જ છે એટલે સ્વ. તરફ ઢળીને વીતરાગભાવ થાય તે જ
જિનશાસનમાં ભગવાનની આજ્ઞા છે; ને તે જ મોક્ષનો માર્ગ છે.
આવો માર્ગ જાણીને તેની પ્રસિદ્ધિ કરવી અને પોતાની પર્યાયમાં ઉત્કૃષ્ટપણે તે
પ્રગટ કરવો–તેનું નામ ‘માર્ગપ્રભાવના’ છે. કુંદકુંદસ્વામી કહે છે કે આવી
માર્ગપ્રભાવના–અર્થે મેં આ સૂત્ર કહ્યું છે.
જુઓ, ભગવાનના માર્ગનો ઉદ્યોત વીતરાગભાવવડે જ થાય છે, ને તેમાં જ
ભગવાનની આજ્ઞા છે. ઉપદેશમાં પણ વીતરાગી તાત્પર્ય જ હોય, ને અંતરના
અભિપ્રાયમાં પણ વીતરાગ ભાવનું જ તાત્પર્ય હોય; અંશ માત્ર પણ રાગના પોષણનો
અભિપ્રાય ન હોય, –આવો જિનમાર્ગ છે. આથી વિરુદ્ધ માર્ગ માને, રાગને માર્ગ માને,
તો તે જીવ વીતરાગજિનમાર્ગની પ્રભાવના કેમ કરી શકે? તેને માર્ગની ખબર નથી,
તેને ભગવાનની આજ્ઞાની ખબર નથી; પરમવૈરાગ્ય પરિણતિ તેને હોતી નથી. માર્ગના
નિર્ણયમાં જ જ્યાં ભૂલ હોય ત્યાં માર્ગનો ઉદ્યોત ક્યાંથી કરે? પહેલાંં સમ્યક્માર્ગનો
નિર્ણય કરવો જોઈએ.