
તેઓશ્રી કહે છે કે શુદ્ધરત્નત્રયરૂપ જે નિયમ છે તે માર્ગ છે, અને તે માર્ગ પરથી અત્યંત
નિરપેક્ષ છે, –પરનો જરાય આશ્રય તેમાં નથી, એકલા સ્વાશ્રયે જ રત્નત્રયમાર્ગ છે, ને
તે જ નિયમથી કર્તવ્ય છે. વચ્ચે રાગ આવી પડે છે, પણ રાગ એ કાંઈ મુમુક્ષુનું કર્તવ્ય
નથી. રાગ એ કાંઈ પરમ વૈરાગ્ય પરિણતિ નથી, એ તો પર તરફ ઢળતી પરિણતિ છે.
અરે, આવો સુંદર ચોખ્ખો માર્ગ! એનો એકવાર નિર્ણય તો કરો.
તે જ માર્ગ છે. આવા માર્ગનો ઉદ્યોત થાય એટલે કે પોતાની પર્યાયમાં તે પ્રગટે ને
જગતમાં પણ તેની પ્રસિદ્ધ થાય–તેનું નામ માર્ગપ્રભાવના છે. આવી માર્ગપ્રભાવનાના
વારંવાર ઘોલનથીઆ શાસ્ત્ર રચાયું છે; બહારમાં આ સૂત્રો રચાયાં છે ને અંતરમાં
વીતરાગભાવ રચાયો છે. આવા વીતરાગભાવની રચના તે કાર્ય છે. આચાર્યદેવ વિકલ્પ
તોડી, સ્વરૂપમાં સ્થિર થયા ત્યાં વીતરાગભાવરૂપ પરમ નૈષ્કર્મ્ય દશા થઈ એટલે
કૃતકૃત્યતા થઈ કરવા યોગ્ય એવું જે વીતરાગભાવરૂપ કાર્ય તે તેમણે કરી લીધું. અહા,
આ વીતરાગભાવ તે પરમ શાંતિરૂપ વિશ્રાંતભાવ છે, રાગમાં તો જરા કલેશ હતો, તેમાં
પરિણતિને વિશ્રાંતિ નહોતી. તે રાગ તોડીને સ્વરૂપમાં ઠર્યા ત્યાં પરિણતિ વિશ્રાંતિને
પામી. ટીકાકાર શ્રી અમૃતચંદ્રાચાર્ય કહે છે કે ‘અહો! કુંદકુંદાચાર્યદેવ આવી દશાને
પામ્યા. એમ અમે શ્રદ્ધા કરીએ છીએ’ જુઓ, આ નિર્ણયની શક્તિ. ૧૦૦૦ વર્ષ પહેલાં
થઈ ગયેલા કુંદકુંદાચાર્ય–તેમની દશાની ઓળખાણ કરીને અમે પ્રતીત કરીએ છીએ કે
તેઓ સ્વરૂપમાં વિશ્રાંત થયા હતા, શુદ્ધોપયોગમાં તેઓ ઠર્યા હતા ને કૃતકૃત્ય થયા હતા.