: ૨૪ : આત્મધર્મ : ભાદરવો :
ચૈતન્યની પ્રભુતાનું પૂર
આ ભગવાન ચૈતન્યસમુદ્રમાંથી અનંતગુણની પ્રભુતાનું પૂર વહે છે. જેમ આકાશ
એ ક્ષેત્રસ્વભાવી વસ્તુ છે, તેના અસ્તિત્વનો વિચાર કરો તો તેના અસ્તિત્વનો ક્યાંય
અંત નથી; આ લોક પછી અનંત અલોક, તેનો ક્યાંય છેડો નથી; આકાશના અપાર
અસ્તિત્વનો ક્યાંય અંત નથી, અનંત અનંત પ્રદેશો.... જ્યાં જુઓ ત્યાં આકાશ છે છે ને
છે. તેમ આત્માનો સ્વભાવ અનંત ગુણના પૂરથી ભરપૂર અસ્તિત્વરૂપ છે. એકેક ગુણમાં
અનંત અનંત પર્યાયોરૂપ પરિણમવાની તાકાત છે; તેનો ક્યાંય અંત નથી; તેની
પ્રભુતાનું સામર્થ્ય અપાર છે. અનંતગુણની પ્રભુતાના પૂરથી આત્મા ભરેલો છે....સમયે
સમયે પ્રભુતાનું પૂર પર્યાયમાં અનંતકાળ સુધી વહ્યા કરે છતાં એની પ્રભુતા ખૂટે નહિ
એવી તાકાત આત્મામાં છે. આવા આત્માને પ્રતીતમાં લ્યે ત્યારે શ્રદ્ધા સાચી થાય. જેમ
ક્ષેત્રથી આકાશનું માપ નથી, તેમ પ્રભુતાથી આત્માનું માપ નથી, અમાપ પ્રભુતા
આત્મામાં ભરી છે. પાણીનું મોટું પૂર દેખે ત્યાં તેની વિશાળતાનો મહિમા આવે છે, પણ
અંદર અનંતગુણનું ચૈતન્યપૂર વહે છે તેનો મહિમા ભાસતો નથી. અનંત ગુણની
પ્રભુતાનો મહિમા ભૂલીને સંયોગનો મહિમા આવી જાય તેને આત્માના ખરા
અસ્તિત્વની ખબર નથી. અનંત અમાપ આકાશનો ક્ષણમાં પત્તો લઈ લ્યે એવી
ચૈતન્યની એક પર્યાયની તાકાત છે, ને એવી અનંત ચૈતન્યપર્યાયોનું પૂર આત્મામાંથી
વહે–એવા સ્વભાવસામર્થ્યથી તે ભરેલો છે; જેની પ્રતીત કરતાં પરમ આનંદ પ્રગટે ને
જેમાં લીન થતાં કેવળજ્ઞાનના પૂર વહે. રાગની તાકાત નથી કે આવા સ્વભાવને
પ્રતીતમાં લ્યે.
અહા, આ તો ભગવાનઆત્માનું ‘ભાગવત’ છે; ચૈતન્યભગવાનના મહિમાની
આ કથા છે. નિયમસાર વગેરેને ‘ભાગવત શાસ્ત્ર’ કહ્યાં છે; તે ભગવાનસન્તોએ કહેલાં
ને ભગવાન આત્માનું સ્વરૂપ પ્રકાશનારાં છે. ભગવાન, આ તારા આત્માનો
અંતરવૈભવ સંતોએ બતાવ્યો છે.
(ભાદરવા સુદ ૧૩ના પ્રવચનમાંથી)