વખત થોડો છે ને કામ ઘણું છે
આ મોંઘું મનુષ્યજીવન, અત્યંત અલ્પ આયુ, તેમાં ચેતન્યના અચિંત્ય
નિધાન ખોલવાનું મહાન કાર્ય કરવાનું છે. આવા કિંમતી જીવનનો સમય
નજીવી બાબતોમાં વેડફી નાખવાનું મુમુક્ષુને પાલવે નહિ. માટે હે જીવ! તું
જાગૃત થઈને સ્વકાર્યમાં સાવધાન થા; અવસર ચાલ્યો જશે તો પસ્તાવો રહી
જશે.
રાત્રિચર્ચામાં વૈરાગ્યથી આ વાત કરતાં ગુરુદેવે કહ્યું : એક માણસને
મોતનું તેડું આવ્યું, સાંજે મોત થવાનું છે ત્યાં સુધીમાં તારે કાંઈ સત્કાર્ય કરવું
હોય તે કરી લે....તે મૂર્ખ માણસ મોતથી ખૂબ ડર્યો. પણ વચ્ચે સુંદર વેશ્યાને
નાચતી દેખીને બે ઘડી તે જોવામાં રોકાઈ ગયો; પછી સુંદર મીષ્ટ ભોજન
દેખીને તે ખાવા લલચાયો ને બેઘડી તેમાં વીતાવી; પછી ક્યાંક ગીત–ગાન
ચાલતા હતા તે સાંભળવામાં રોકાઈ ગયો; થોડોક વખત બાકી રહ્યો તે
કુટુંબની –દુકાનની ને રૂપિયાની સંભાળ કરવામાં ગૂમાવ્યો.... ત્યાં તો સાંજ
પડી ને મોતભાઈ તો આવીને ઉભા રહ્યા. આ ભાઈસાહેબ તો કહે કે તું
થોડીવાર થોભ.... મેં કંઈ સારૂ કામ નથી કર્યું માટે કંઈક સત્કાર્ય કરું ત્યાંસુધી
હે મોત! તું ઊભું રહે. –પણ શું મોત ઊભું રહે? મોત તો આવ્યું અને એ
મૂર્ખના પસ્તાવાનો પાર ન રહ્યો. તેમ આ મોંઘા મનુષ્યજીવનનો ટૂંકોકાળ,
તેમાં ચૈતન્યને સાધવાનું મહાન કાર્ય સંભાળવાનું છે. પોતાનું કાર્ય કરવા
આડે મુમુક્ષુને બીજાનું જોવાનો વખત ક્યાં છે? કોઈથી રાજી થવાનો કે
કોઈથી નારાજ થવાનો વખત જ ક્યાં છે? અંતરના અનંતા ચૈતન્યનિધાન
ખોલવાનું કામ કરવાનું છે; તે અર્થે સતત શ્રવણ–સ્વાધ્યાય–મનન ને મંથન
કરવા આડે જગતની નાની નાની બાબતોમાં રોકાવાનો અવકાશ જ ક્યાં છે,
ભાઈ! બીજાનું જોવાનો વખત જ ક્યાં છે? જેમ દ્રષ્ટાંતનો મૂરખો આયુષનો
અલ્પકાળ પાંચ ઈન્દ્રિયના વિષય–કષાયોમાં ગૂમાવીને પસ્તાયો, તેમ આ
મોંઘું જીવન તેમાં સ્વકાર્યને ચૂકીને, પંચેન્દ્રિયના વિષય–કષાયોમાં જ જે
વખત ગૂમાવે છે, જગતથી રાજી થવામાં ને જગતને રાજી કરવામાં જ જે
રોકાઈ રહે છે ને આત્મહિતના કાર્યનો જરાય ઉદ્યમ કરતા નથી તેને આ
અમૂલ્ય અવસર ચાલ્યો જતાં પસ્તાવાનો પાર નહિ રહે. માટે ફરીફરીને સંતો
કહે છે કે હે જીવ! વખત થોડો છે ને કામ ઘણું છે, માટે તારા સ્વકાર્યને
સંભાળ. આ સોનેરી અવસર આવ્યો છે. (રાત્રિ ચર્ચા ઉપરથી)