: ૪ : આત્મધર્મ : ભાદરવો :
(૮) આત્માનો જે જ્ઞાનભાવ છે તે પરભાવના ત્યાગસ્વરૂપ જ
છે; ‘હું શુદ્ધ ચૈતન્ય આત્મા છું, દેહાદિ કંઈ પણ મારું નથી’–એમ સર્વત્ર
મમત્વના ત્યાગરૂપ પરિણામથી ચૈતન્યમાં લીન થઈને મુનિરાજ ઉત્તમ
ત્યાગધર્મની આરાધના કરે છે. સમ્યક્ શ્રુતનું વ્યાખ્યાન કરવું તથા
બહુમાનપૂર્વક સાધર્મીઓને પુસ્તક, સ્થાન વગેરે દેવું તે પણ ત્યાગધર્મનો
પ્રકાર છે.
(૯) ‘શુદ્ધ ચૈતન્ય એક જ મારો છે, એનાથી ભિન્ન કંઈ પણ મારું
નથી’ એમ જાણીને ચૈતન્યભાવનાના બળથી દેહાદિ સમસ્ત પરદ્રવ્યો પ્રત્યે
મમત્વ પરિણામનો પરિત્યાગ તે જ ઉત્તમ આકિંચન્યધર્મ છે.
(૧૦) મારું સુખ મારા અતીન્દ્રિય આત્મામાં જ છે, સ્ત્રી–
શરીરાદિ કોઈ પણ બાહ્યવિષયોમાં મારું સુખ નથી, એવી વિશુદ્ધમતિના
બળથી એવા નિર્વિકાર પરિણામ થઈ જાય કે સ્ત્રી આદિને દેખીને કે
દેવીદ્વારા લલચાવવા છતાં પણ વિકારની વૃત્તિ જ ન થાય. સ્ત્રીને માતા–
બહેન કે પુત્રીવત નિર્વિકારભાવના રહે, તેને જ સાચા બ્રહ્મચર્યધર્મની
આરાધના હોય છે.
આ પ્રમાણે ઉત્તમક્ષમાદિ દશધર્મોની ઉત્કૃષ્ટ આરાધના બતાવી.
અહીં એમ ન સમજવું કે આ ધર્મોની આરાધના ફક્ત દશલક્ષણ પર્વના
દિવસોમાં હોય છે, પરંતુ સદૈવ આ ધર્મોની આરાધના હોય છે. આ
ધર્મોની આરાધનારૂપ વીતરાગ ભાવ જેણે પ્રગટ કર્યો તેના આત્મામાં
સદૈવ પર્યુષણ જ છે; ક્ષણે ક્ષણે તે ધર્મની ઉપાસના કરી જ રહ્યા છે.
આવા ધર્મના ઉપાસક સંતમુનિવરોના ચરણોમાં
ભક્તિ સહિત શતશત પ્રણામ.
ઉત્તમક્ષમાદિ વીતરાગી ધર્મોનું સ્વરૂપ દર્શાવનાર
જિનશાસન જયવંત હો.
વીતરાગધર્મની પરિ–ઉપાસનાના પ્રેરક દશલક્ષણી
પર્યુષણપર્વ જગતને મંગળરૂપ હો.