Atmadharma magazine - Ank 253
(Year 22 - Vir Nirvana Samvat 2491, A.D. 1965).

< Previous Page   Next Page >


PDF/HTML Page 15 of 45

background image
: ૧૨ : : કારતક :
શુદ્ધ દ્રવ્યને દેખે છે અને રાગાદિ અશુદ્ધભાવોને એકત્વપણે પોતામાં કદી કરતો નથી. આ
રીતે શુદ્ધદ્રષ્ટિ વડે તે ધર્માત્મા રાગદ્વેષને અત્યંત ક્ષય કરતો કરતો શુદ્ધ ચૈતન્યતેજથી
દીપી ઊઠે છે.
જ્યાં તારા ગુણ વિદ્યમાન છે ત્યાં જો, તો તે ગુણ પર્યાયમાં પ્રગટશે. જ્યાં તારા
ગુણનું અસ્તિત્વ નથી ત્યાં જોતાં ગુણો પ્રગટશે નહિ. એટલે સ્વસન્મુખતાથી જ
સમ્યક્ત્વાદિ ગુણો પ્રગટે છે, ને પરસન્મુખતાથી કદી સમ્યક્ત્વાદિ પ્રગટતા નથી.
પરસન્મુખ ગુણ પ્રગટવાનું જે માને તેને મિથ્યાત્વાદિ દોષ પ્રગટે છે. માટે હે ભાઈ!
પરાશ્રય છોડીને સ્વાશ્રય તરફ વળ...એ જ ધર્મની ચાવી છે. પરથી પોતાના ગુણદોષ
માને તેને પર ઉપર રાગ–દ્વેષ થયા વિના રહે નહિ એટલે ઉપશમભાવ તો થાય જ નહિ.
ધર્માત્મા તો આ જાણીને અત્યંત ઉપશમભાવને પામે છે, પરપ્રત્યે અત્યંત મધ્યસ્થ
ઉદાસીન થઈને સ્વદ્રવ્યને જ તે અવલંબે છે. સ્વાવલંબી ભાવ એ જ વીતરાગી
ઉપશમભાવ છે, એમાં જ સમ્યગ્દર્શન–જ્ઞાન–ચારિત્રરૂપ મોક્ષમાર્ગ છે.
મુનિદશામાં નિર્ગ્રંથ શરીર હોય છે, તે શરીર તો અચેતન છે ને ભાવલિંગ
(રત્નત્રય) તે તો ચેતન છે. શું અચેતન શરીરમાંથી રત્નત્રયરૂપ ભાવલિંગ આવે
છે? ના; જો એમ હોય તો તો, જ્યારે સિંહ શરીરને ખાઈ જાય ત્યારે ભેગા ભેગા
રત્નત્રય પણ ખવાઈ જાય. પણ એમ નથી; ઊલ્ટું શરીરને સિંહ ખાતો હોય, શરીર
તો ક્ષીણ થતું હોય ને મુનિ રત્નત્રયની ઊગ્રતા કરીને કેવળજ્ઞાન પામી જાય. આમ
ચેતનપર્યાયોને અચેતનથી અત્યંત ઉદાસીનતા છે, ભિન્નતા છે. શરીરનો દાખલો
આપ્યો એ જ રીતે રાગ સાથે પણ જીવના ગુણોને (નિર્મળ પર્યાયોને) આધાર
આધેયપણાનો જરાય સંબંધ નથી. રાગની તો હાનિ થાય છે ને ગુણની વૃદ્ધિ થાય
છે. અજ્ઞાની તો જાણે રાગના આધારે ધર્મ થશે એમ માને છે, શુભરાગની વૃદ્ધિથી
જાણે મારા ગુણોની વૃદ્ધિ થશે એમ તે રાગમાંથી પોતાના સમ્યક્ત્વાદિ ગુણો
આવવાનું માને છે. પણ ભાઈ, રાગમાં તો તારો એકેય ગુણ નથી. તારા ગુણને
રાગથી અત્યંત ભિન્નતા છે–જેવી દેહથી ભિન્નતા છે તેવી. જેમ દેહના આધારે ગુણ
નથી તેમ રાગના આધારે પણ ગુણ નથી. સમ્યક્ત્વાદિ પ્રગટવામાં રાગનું
અવલંબન જરાય નથી; ચિદાનંદ સ્વભાવી શુદ્ધ દ્રવ્યનું એકનું જ અવલંબન છે.–
આમ હે જીવો! તમે દેખો! આચાર્યદેવ પોતાની સાક્ષીથી કહે છે કે પરદ્રવ્ય આ
આત્માને ગુણદોષનું જરાપણ ઉત્પાદક નથી–એમ અમે તો દેખીએ છીએ, અને હે
જીવો! તમે પણ સમ્યક્ પ્રકારે એમ જ દેખો...ને ઉપશમભાવને પામો.