Atmadharma magazine - Ank 254
(Year 22 - Vir Nirvana Samvat 2491, A.D. 1965).

< Previous Page   Next Page >


PDF/HTML Page 15 of 29

background image
: ૧૨ : આત્મધર્મ : માગશર :
રે જીવ! તું શાંત થા....શાંત થા. તારું જ્ઞાન જ તારી શાંતિનું ધામ છે. બીજું દ્રવ્ય
તારા જ્ઞાનમાં અશાંતિ ઊભી કરતું નથી; તેમજ બીજું દ્રવ્ય તને શાંતિ પણ આપતું નથી.
માટે પરદ્રવ્યમાં શાંતિ ન શોધ, કે પરદ્રવ્ય ઉપર દ્વેષ ન કર. પરદ્રવ્યો પોતાના તરફ તારા
જ્ઞાનને ખેંચતા નથી, ને તારું જ્ઞાન પણ કાંઈ આત્માંથી બહાર નીકળીને પરમાં ચાલ્યું
જતું નથી. આવી ભિન્નતા છે, પછી રાગદ્વેષ ઉત્પન્ન થવાનું સ્થાન જ ક્યાં છે? રાગદ્વેષ
નથી તો જ્ઞાનમાં, કે નથી જ્ઞેયો તે કરાવતા. એટલે જેને જ્ઞાન અને જ્ઞેયના ભિન્ન
વસ્તુસ્વરૂપની ઓળખાણ છે તે તો જ્ઞાનમાં જ તન્મય રહેતો થકો. રાગદ્વેષમાં જરાય
તન્મય ન વર્તતો થકો જ્ઞાનની નિરાકૂળ શાંતિને અનુભવે છે. અને આવા જ્ઞાની જ
મોક્ષને સાધે છે.
અજ્ઞાની સંયોગોને અનુકૂળ–પ્રતિકૂળરૂપે દેખે છે ને તેના પ્રત્યે રાગદ્વેષ કરીને
દુઃખી થાય છે. પણ મારે પદાર્થો સાથે સંબંધ નથી, હું તો જ્ઞાન છું–એમ જો તટસ્થ
જ્ઞાનપણે જ રહે તો રાગદ્વેષ રહિત ઉપશાંતભાવ રહે. બહારના પદાર્થો સુંદર કે અસુંદર
તે કાંઈ જ્ઞાનને વિક્રિયા ઉત્પન્ન કરતા નથી; વિચિત્ર પરિણતિરૂપે જગતના જ્ઞેયો
પોતપોતાના સ્વભાવથી પરિણમે છે, ને જ્ઞાન તેમને પોતાના સ્વભાવથી જ જાણનારું
છે. પદાર્થ સમીપ હો કે અસમીપ હો–તેથી જ્ઞાનના જાણવાના સ્વભાવમાં કાંઈ ફેર પડી
જતો નથી. આવા જ્ઞાનને જે ઓળખતો નથી તે અજ્ઞાની શાસ્ત્ર ભણીભણીને પણ
શાસ્ત્રના સાચા ફળરૂપ ઉપશમને પામતો નથી. શાસ્ત્રના સાચા જ્ઞાનનું તાત્પર્ય તો
ઉપશમપ્રાપ્તિ છે; એવા ઉપશમવાળું જીવન એ જ સાચું જીવન છે, અજ્ઞાનમય રાગદ્વેષ તે
મરણ છે. જ્ઞાનમય વીતરાગજીવન એ જ સાચું આત્મજીવન છે. જેમાં શાંતિ ન હોય તેને
જીવન કેમ કહેવાય? એમાં તો આત્મા મુંઝાઈ રહ્યો છે. જ્ઞાનમયભાવથી જે શાંતિનું
વેદન તે આનંદમય જીવન છે.
જેમ દીવો પદાર્થો પ્રત્યે ઉદાસીન છે; દીવાના પ્રકાશમાં સોનું હો કે કોલસો, સર્પ
હો કે હાર, રોગી હો કે નિરોગી, ત્યાં દીવો તો તટસ્થ છે, તેને પદાર્થોના કારણે કાંઈ
વિક્રિયા થતી નથી; કોલસા કે સર્પ આવતાં તેનો પ્રકાશ ઝાંખો પડી જાય કે સોનાના
ગંજ ને હાર આવતાં તેનો પ્રકાશ તેજ થઈ જાય–એવું દીવાને થતું નથી; તેમ જ્ઞાનદીપક–
ચૈતન્યદીવો જગતના જ્ઞેય પદોર્થો પ્રત્યે ઉદાસીન છે, રાગ–દ્વેષ વગરનો છે. જ્ઞાનપ્રકાશમાં
કોઈ રોગ કે નિરોગ, સોનું કે કોલસો, નિંદાના શબ્દો કે પ્રશંસાના શબ્દો, રૂપ કે કુરૂપ–એ
કોઈ વસ્તુ રાગ–દ્વેષ કરાવતી નથી, તેમજ જ્ઞાન પ્રકાશમાં એવો સ્વભાવ નથી કે કોઈ
ઉપર રાગદ્વેષ કરે. ભિન્નપણે રહીને, જુદો રહીને, મધ્યસ્થ રહીને, પોતે પોતાના
જ્ઞાનભાવમાં જ રહેતું જ્ઞાન પરમ ઉપશાંતભાવને પામે છે.–આવું વિશુદ્ધજ્ઞાન તે જ
મોક્ષહેતુ છે.