ધર્માત્માની
સાચી સંપદા
*
જેનાથી પાપબંધન અને દુર્ગતિ થાય–તે સંપદા નથી
પણ વિપદા છે: સાચી સંપદા તો તે છે કે જેનાથી
આત્મા બંધનથી છૂટીને કેવળજ્ઞાન ને પરમઆનંદરૂપ
મોક્ષલક્ષ્મી પામે.
કોઈ જીવ બાહ્ય સંપદાનો જ અનુરાગી થઈને પાપપ્રષ્ટત્તિમાં જ વર્તતો હોય ને
આત્મહિતને ભૂલી રહ્યો હોય, તો તેને સમજાવવા શ્રાવકાચારમાં સ્વામી સમન્તભદ્ર કહે
છે કે–
यदि पापनिरोधोऽम्य संपदा किं प्रयोजनम्।
अथ पापास्त्रवोऽस्त्यन्य संपदा किं प्रयोजनम्।।२७।।
સમ્યગ્દ્રષ્ટિ વિચારે છે કે જો મારે જ્ઞાનાવરણાદિ અશુભ પાપપ્રકૃતિઓનો આસ્રવ
અટકી ગયો છે એટલે કે મારી ચૈતન્યસંપદા મને પ્રગટી છે તો તેનાથી અન્ય બીજી બાહ્ય
સંપદાથી મારે શું પ્રયોજન છે? અને જો પાપના આસ્રવપૂર્વક બાહ્યસંપદા આવતી હોય–
તો એવી સંપદાથી મારે શું પ્રયોજન છે?
જો આ જીવને ત્યાગ–સંયમરૂપ પ્રવૃત્તિ વડે પાપાસ્રવ અટકી ગયો છે, ને અન્ય
ઈન્દ્રિયવિષયોની સંપદા કે રાજ્યઐશ્વર્યસંપદા વગેરે નથી–તો તે સંપદાનું શું પ્રયોજન
છે? આસ્રવના રોકાવાથી તો નિર્વાણસંપદા કે સ્વર્ગલોકની અહમીન્દ્રાદિ સમ્પદા પ્રાપ્ત
થાય છે; તો પછી આ ખાખ–ધૂળ જેવી, કલેશથી ભરેલી ક્ષણભંગુર સંપદાનું શું કામ છે?
પાપાસ્રવના અભાવથી તો નિબંધ નામની સમ્પદા પ્રગટે છે તે મહા વિભૂતિ જ મહાન
લક્ષ્મી છે. અને જો અન્યાય અનીતિ કપટ છલ ચોરી ઈત્યાદિ વડે નિરંતર પાપાસ્રવપૂર્વક
ધનસમ્પદા પ્રાપ્ત થતી હોય તો એવી સમ્પદાનું મારે શું કામ છે?–એવા પાપથી તો મરીને
જીવ અંતર્મુહૂર્તમાં નરકમાં નારકીપણે ઉપજે. સમ્યગ્દ્રષ્ટિને તો પાપકર્મના આસ્રવનો ઘણો
ભય છે, અને પાપનો આસ્રવ અટકે તેને તે મહાસંપદાનો લાભ માને છે. અને આ
સંસારની સમ્પદાને તો પરાધીન, દુઃખ દેનારી જાણીને તેની લાલસા કરતા નથી; અને
કદાચિત લાભાંતરાય ભોગાંતરાય કર્મના ક્ષયોપશમથી લક્ષ્મી પ્રાપ્ત થાય તો તેને
પરાધીન, વિનાશીક, બંધન કરનારી જાણીને તેમાં લિપ્ત થતા નથી.