Atmadharma magazine - Ank 255
(Year 22 - Vir Nirvana Samvat 2491, A.D. 1965).

< Previous Page   Next Page >


PDF/HTML Page 14 of 29

background image
: પોષ : : ૧૧ :
અજ્ઞાનીને એકલું પરલક્ષી જ્ઞાન છે, તેમાં તેને રાગનું જ વેદન છે. જ્ઞાનીને સ્વસન્મુખ
થયેલા ઉપયોગમાં રાગના વેદનનો અભાવ છે તેથી તે સ્વસંવેદન વીતરાગ છે. ચોથા
ગુણસ્થાનથી શરૂ કરીને જેમ જેમ સ્વસંવેદન વધતું જાય છે તેમ તેમ વીતરાગતા પણ
વધતી જાય છે.
જ્ઞાન અંતર્મુખ થઈને પોતાના સ્વભાવમાં વળે ત્યારે તેમાં રાગ આવતો નથી;
સ્વભાવમાં એકાગ્ર થયેલ જ્ઞાનમાં તો વીતરાગી ચૈતન્યરસનું જ વેદન છે. આવું
સ્વસંવેદન થાય ત્યારે આત્માને સમ્યક્પણે જાણ્યો કહેવાય, ને ત્યારે અંતરાત્માપણું
થાય. બાહ્યવસ્તુને જ જાણવામાં જેનું જ્ઞાન અટક્યું છે તે બહિરાત્મા છે તેનું જ્ઞાન
રાગથી દુષિત છે, તેમાં કષાયનું વેદન છે. જ્ઞાન અંદરમાં આવ્યું ત્યાં વીતરાગ થયું; જ્ઞાન
બહારમાં ગયું ત્યાં સરાગ થયું. જેનું જ્ઞાન સ્વને ભૂલીને એકલા પરને જોવામાં ને રાગને
જ તન્મયપણે વેદવામાં રોકાયું તે બહિરાત્મા છે, તે બહિરાત્માને મૂઢભાવ હોય છે. હે
જીવ! આવા બહિરાત્માપણાને ઓળખીને તેને તું છોડ; ને અંતરાત્માપણું મહિમાવંત છે
તેને તું પ્રગટ કર.
અનાદિથી તેં બાહ્યમાં ઝંપલાવ્યું છે તેમાં તો તડકામાં માછલું તરફડે એના જેવું
છે, તેમાં ક્્યાંય શાંતિ નથી. આત્માનો ઉપયોગ ઉપયોગમાં જ રહે–એટલે કે
નિજસ્વરૂપમાં જ રહે–તેમાં શાંતિનું વેદન છે. શાંતિનો સમુદ્ર આત્મા છે તેમાં ડુબકી
મારતાં આનંદનું સંવેદન થાય છે ને તેમાં રાગની આકૂળતા વેદાતી નથી. માટે સ્વરૂપમાં
ડુબકી મારનારું સ્વસંવેદનજ્ઞાન વીતરાગ છે, આનંદરૂપ છે. ચોથા ગુણસ્થાને અંતરાત્મા
થયો તેને આવા વીતરાગ આનંદનું સંવેદન હોય છે. અહા, અંતરાત્માની શું દશા છે તેની
પણ જગતને ઓળખાણ બહુ દુર્લભ છે.
ચોથે–પાંચમે ગુણસ્થાને રાગ તો હોય છે પરંતુ ત્યાં જે સ્વસંવેદન છે તે કાંઈ
રાગવાળું નથી, તે સ્વસંવેદન તો રાગ વગરનું જ છે; આ રીતે સ્વસંવેદન તો સર્વત્ર
વીતરાગ જ છે. ચોથા ગુણસ્થાને મિથ્યાત્વ તથા અનંતાનુબંધી કષાયોનો જે અભાવ છે
તેટલો તો રાગ વગરનો વીતરાગ ભાવ છે, તેટલી શુદ્ધતા છે, તેટલો મોક્ષમાર્ગ છે,
તેટલો નિશ્ચય છે. જેટલો રાગ બાકી રહ્યો તેટલી અશુદ્ધતા છે, તે મોક્ષમાર્ગ નથી, તે
સ્વસંવેદનરૂપ જ્ઞાનથી ભિન્ન છે. આવી અંતરાત્માની સ્થિતિ છે.
આનંદસ્વરૂપ આત્મા છે, તેના સ્વભાવમાં જ દેવ–ગુરુ ને તીર્થ બધું સમાય છે.
દેવ એટલે સર્વજ્ઞપદ તે કાંઈ આત્માથી ભિન્ન નથી, ગુરુ એટલે સાધકપદ તે કાંઈ
આત્માથી ભિન્ન નથી; અને તીર્થ એટલે રત્નત્રયધર્મ તે પણ આત્માથી ભિન્ન નથી.
આવા આત્માનો અનુભવ વીતરાગી સ્વસંવેદનજ્ઞાનથી જ થાય છે; આત્માના સંવેદનમાં
રાગનો અભાવ છે.