: ૨૦ : : પોષ :
અતીન્દ્રિય આનંદની
પ્રાપ્તિ માટે સંતોનો ઉપદેશ
અરે જીવ! એક વાર તારા આત્માની ખરી
કિંમત સમજીને તારામાં અંતર્મુખ થા. તને
જગતના પદાર્થો સારા લાગે છે પરંતુ સૌથી સારો
તે તારો આત્મા જ છે.–એ જ સારો લગાડ....એને
જ સારભૂત સમજ. જે આનંદને તું બહારમાં શોધી
રહ્યો છે તે તને તારામાં જ મળશે. મારા શુદ્ધ
આત્મા સિવાય બીજું કાંઈ આ જગતમાં મારે
ઉપાદેય નથી–એમ આત્માને જ ઉપાદેય કરીને એક
વાર સ્વાનુભૂતિ વડે તેમાં પ્રવેશ કર તો તને પરમ
આનંદનો અનુભવ થશે.
જન્મમરણરહિત આત્મા પોતાને ભૂલીને સંસારમાં જન્મમરણ કરી રહ્યો છે, શુદ્ધ
આત્મસ્વભાવ તો જન્મમરણ વગરનો છે. તે નથી તો કર્મો અનુસાર ઉપજતો–મરતો, કે
પોતે નથી કર્મોને ઉપજાવતો; તે તો પોતાના નિર્મળ જ્ઞાનાદિભાવોના ઉત્પાદવ્યયરૂપે
પરિણમે છે. સંયોગથી ને સંયોગીભાવોથી (એટલે પરથી ને પરભાવથી) તો શુદ્ધ
આત્મા ત્રિકાળ જુદો છે, એને કોઈ સંયોગનો હર્ષ નથી, શોક નથી, હસવાપણું નથી કે
ખેદખિન્ન થવાપણું નથી; એ તો પરથી પરમ ઉદાસીન છે. ઉદાસીનતામાં વીતરાગતા છે,
આનંદ છે, જ્ઞાન છે; પણ ઉદાસીનતામાં રાગ–દ્વેષ નથી, શોક–હર્ષ નથી. રાગના
આસનથી ઊંચું (જુદું) ચૈતન્યઆસન છે, તેમાં જે બિરાજમાન થયો તે જ ખરો
ઉદાસીન છે. આવો જ આત્માનો સ્વભાવ છે.
અરે જીવ! એક વાર તારા આવા સ્વભાવનું ખરૂં માપ તો કર. તું ચૈતન્યપિંડ,
સર્વજ્ઞતાના સામર્થ્યથી ભરપુર, એવા મહિમાવંત નિજસ્વભાવને ભૂલીને રાગદ્વેષ જેવી
તુચ્છવૃત્તિમાં રોકાઈ ગયો. ને દેહાદિના મમત્વને લીધે દેહ ધારણ કરી કરીને ચાર
ગતિમાં જન્મમરણ કરી રહ્યો છે. અશરીરી ચૈતન્યને આવા દેહ ધારણ કરવા પડે તે
શરમ છે. અરે, રાગ સાથે ય જેને કારણ કાર્યપણું પરમાર્થે નથી, તેને વળી આ જડ દેહ
સાથે સંબંધ શા? પરથી ઉદાસીન થઈને આવા તારા આત્મસ્વરૂપને ધ્યેય બનાવીને
અનુભવમાં લે તો સમ્યગ્દર્શન થાય.