Atmadharma magazine - Ank 255
(Year 22 - Vir Nirvana Samvat 2491, A.D. 1965).

< Previous Page   Next Page >


PDF/HTML Page 24 of 29

background image
: પોષ : : ૨૧ :
જ્યાં અનંત સુખ ભર્યું છે ને દુઃખનું જ્યાં નામ પણ નથી–એવું તારું ચૈતન્ય–
તત્ત્વ–તેમાં અંતરમાં જા, અને તેની સાથે મિત્રતા કર. બહારની કોઈ પ્રતિકૂળતા
જેને દુઃખ આપી ન શકે–અને જેમાં ઊતરતાં જ અનંત સુખ ઊપજે એવા ચૈતન્યની
પ્રીતિ તું કેમ નથી કરતો? ને બહારના સંયોગનો પ્રેમ કરીને, તેની સાથે મિત્રતા
કરી કરીને તારા આત્મતત્ત્વને તું કેમ ભૂલી રહ્યો છે! તેમાં તો અનંત દુઃખ છે.
ભાઈ, તારા સ્વરૂપનો વિચાર તો કર! તારા ચૈતન્યધામની સંપદાનો અપાર મહિમા
કેવળી ભગવાને વર્ણવ્યો છે, અરે, એક વાર તું તુલના તો કર કે ક્્યાં સુખ છે ને
ક્યાં દુઃખ છે? મારા સ્વરૂપમાં અનંત સુખ ને બહારના સંયોગમાં કિંચિત સુખ
નહિ,–આમ ન્યાયનેત્રને ઊઘાડીને, સમ્યગ્જ્ઞાન પ્રગટ કરીને તું વિવેક કર...ને એ
બાહ્યવૃત્તિની પ્રવૃત્તિની બાળીને, ચૈતન્ય સુખમાં પ્રવૃત્ત થા. શીઘ્ર તું બાહ્યબુદ્ધિ
છોડીને અનંત સુખધામ એવા આત્મામાં તત્પર થા. ભાઈ! હવે તું ગંભીર થા...તું
ડહાપણવાળો–વિવેકવાળો થઈને તારા આત્માને સંભાળ. પિતા જેમ પુત્રને શિખ
આપે તેમ અહીં સંતો શિખ આપે છે કે હે વત્સ! ભવચક્રમાં તું ઘણું ઘણું રખડયો.
હવે તો તું વિવેકી થા....વિવેકી ને ગંભીર થઈને હવે તારા સ્વકાર્યને સંભાળ. તારું
સુખધામ અંતરમાં છે તેમાં તું ઊતર.
સિદ્ધભગવાનનું જેવું નિરૂપાધિ સ્વરૂપ છે એવું તારું સ્વરૂપ તારે ઉપાદેય છે;
પરભાવની ઉપાધિ વગરનું તારું સ્વરૂપ તું જાણ. જ્ઞાનાદિ અનંત ગુણો–જેટલા સિદ્ધ
પ્રભુમાં છે તેટલા જ તારામાં સદાય પ્રાપ્ત છે. જ્યાં જા ત્યાં તારા બધાય ગુણો તારી
સાથે જ છે, ને તે ગુણો નિજ–નિજ પર્યાયરૂપે પરિણમ્યા કરે છે. તારો આત્મા તારા
ગુણ–પર્યાયવાળો છે, પણ તારો આત્મા શરીરવાળો નથી, સંયોગવાળો નથી. એટલે
તારા ગુણ–પર્યાયોનું કાર્ય બહારમાં નથી, કે બહારથી તે આવતું નથી. તારામાં જ
તારું સર્વસ્વ છે. માટે તારામાં જ તું જો. તારા શુદ્ધ–ગુણ પર્યાયવાળો આત્મા જ
ઉપાદેય છે. કેવળજ્ઞાન અને સિદ્ધપર્યાય પ્રગટે એવી તાકાત તારામાં જ છે. આવી
તાકાતવાળા તારા સ્વદ્રવ્યને પ્રતીતમાં–જ્ઞાનમાં–અનુભવમાં લઈને ઉપાદેય કર, એ
તાત્પર્ય છે.
गुणपर्ययवत् द्रव्यं’ એમ સિદ્ધાંતમાં કહ્યું છે, એટલે જ્યાં દરેક દ્રવ્ય પોતે જ
પોતાના ગુણપર્યાયવાળું છે ત્યાં તેના ગુણ–પર્યાયમાં બીજો શું કરે? ચેતન કે જડ બધાય
પદાર્થો નિજસ્વભાવથી જ ગુણ–પર્યાયરૂપ છે, તેમાં એવું ક્્યાં આવ્યું કે બીજો હોય તો
તેના ગુણપર્યાય થાય? બીજાથી આના ગુણ–પર્યાયમાં કાંઈ થાય એવી જેની માન્યતા છે
તેણે ખરેખર દ્રવ્યને ‘ગુણપર્યાયવત્’ જાણ્યું નથી. દ્રવ્ય–ગુણ–પર્યાયરૂપ વસ્તુને જ જે
નથી જાણતો તે કારણ–કાર્યને, ઉપાદાન–નિમિત્તને કે નિશ્ચય–વ્યવહારને પણ સાચા
સ્વરૂપે જાણી શકતો નથી.