વિ...વિ...ધ...વ...ચ...ના...મૃ...ત
આત્મધર્મનો ચાલુ વિભાગ: લેખાંક–૪: વિવિધ વચનામૃતનો આ
વિભાગ પ્રવચનોમાંથી, વિવિધ શાસ્ત્રોમાંથી તેમજ રાત્રિચર્ચા વગેરે
પ્રસંગો ઉપરથી તૈયાર કરવામાં આવે છે.
(૧૧૦) મુક્તિને માટે...
શુદ્ધ જ્ઞાનસ્વભાવી આ આત્મા સિદ્ધભગવાન જેવી પ્રભુતાથી ભરેલો છે. પોતાના
આત્મામાં સિદ્ધ જેવું પ્રભુત્વ સ્થાપીને તેનો સ્વાનુભવ કર્યા સિવાય મુક્તિને માટે બીજો
કોઈ ઉપાય નથી જ નથી. મુક્તિને માટે હે મુમુક્ષુ! તું આવી સ્વાનુભૂતિનું સેવન કર.
(૧૧૧) ભેદજ્ઞાનરૂપી વીજળી
પર્વત ઉપર વીજળી પડવાથી જે ફાટ પડી તે ફરી સંધાય નહિ, તેમ
જ્ઞાનાનંદસ્વરૂપના સ્વાનુભવના તીવ્ર અભ્યાસ વડે જ્યાં ભેદજ્ઞાનરૂપ વીજળી પડી ત્યાં
આત્મા અને રાગની એકતા વચ્ચે ફાટ પડી, ને મોહ પર્વત ભેદાઈ ગયો, તે હવે ફરી કદી
સંધાય નહિ; જ્ઞાનીનું જ્ઞાન રાગમાં તન્મય થાય નહિ. રે જીવ! આવા ભેદજ્ઞાન વગર
બીજું બધું તેં અનંતવાર કર્યું, પણ જન્મ–મરણનાં દુઃખ હજી ન મટ્યા, માટે હવે એ જ
ઉદ્યમ કર જેથી જન્મ–મરણ મટે.
(૧૧૨) સ્વાનુભૂતિ
જ્યાં સ્વાનુભૂતિ છે ત્યાં જ ધર્મ છે; જ્યાં સ્વાનુભૂતિ નથી ત્યાં ધર્મ નથી. મોક્ષમાર્ગ
સ્વાનુભૂતિમાં સમાય છે. સ્વાનુભૂતિમાં વીતરાગતા છે, સ્વાનુભૂતિમાં આનંદની લહેર છે.
સ્વાનુભૂતિ તે સંતોના ઉપદેશનો સાર છે. સ્વાનુભૂતિ એ જ પરમાત્માનો સાક્ષાત્કાર છે.
સ્વાનુભૂતિનો અજોડ મહિમા છે. નમસ્કાર હો સ્વાનુભવી સન્તને.
(૧૧૩) કોનાં ગાણાં ગવાય છે?
ભાઈ, શાસ્ત્રોએ જે અગાધ ગાણાં ગાયા છે તે કોનાં?–તારા પોતાના; શાસ્ત્રોમાં
સન્તોએ આત્મસ્વભાવનો જે અચિંત્ય મહિમા ખૂબ ખૂબ વર્ણવ્યો છે તે બધો તારો જ
મહિમા છે. માટે તારું મહિમાવંત સ્વરૂપ શું છે તે લક્ષમાં લે, તો જ તને સંતોનું હૃદય ને
શાસ્ત્રોનું હાર્દ સમજાય. તારું આરાધ્ય તો તારામાં જ છે.
(૧૧૪) જ્યાં લગી આત્મા....
આ જ્ઞાનસ્વરૂપ આત્મા દેહાદિથી ને રાગાદિથી જુદો છે. એવું વાસ્તવિકપણું
જ્યાંસુધી આત્મા ન જાણે ત્યાંસુધી મોહ મટે નહિ. જ્યારે યથાર્થસ્વરૂપે આત્મા
જાણવામાં આવે ત્યારે જ પરનું માહાત્મ્ય ટળે ને પોતાનું માહાત્મ્ય આવે. અને આવું
માહાત્મ્ય આવે ત્યારે જ આત્માની ખરી સાધના થાય.