Atmadharma magazine - Ank 255
(Year 22 - Vir Nirvana Samvat 2491, A.D. 1965).

< Previous Page   Next Page >


PDF/HTML Page 6 of 29

background image
: પોષ : : ૩ :
મમત્વ છોડીને શુદ્ધજ્ઞાનમાં કેમ ઠરત? અર્હંત ભગવંતોએ તો દેહનું મમત્વ છોડીને શુદ્ધ
જ્ઞાનમય એવા નિશ્ચયરત્નત્રયને જ મોક્ષમાર્ગ તરીકે સેવ્યા; –આમ અર્હંતોની સાક્ષી
આપીને, પોતાના સ્વાનુભવસહિત આચાર્યદેવ કહે છે કે, અર્હંત ભગવંતોએ આમ કર્યું
તે ઉપરથી નક્કી થાય છે કે આવો જ પરમાર્થ મોક્ષમાર્ગ છે; બીજો મોક્ષમાર્ગ નથી.
દર્શન–જ્ઞાન–ચારિત્રના શુદ્ધભાવરૂપે પરિણમેલો આત્મા તે જ પરમાર્થે મોક્ષમાર્ગ
છે, તેને ‘કારણસમયસાર’ કહેવાય છે. રાગ એ તો આસ્રવતત્ત્વ છે, તેને પરમાર્થે આત્મા
જ કહેતા નથી. શુદ્ધપરિણામમાં અભેદ પરિણમ્યો તેને જ પરમાર્થ આત્મા કહ્યો છે. મુનિ
તો ખરેખર તે જ છે કે જેઓ સમ્યગ્દર્શન–જ્ઞાન–ચારિત્રને મોક્ષમાર્ગપણે સેવી રહ્યા છે.
મુનિને કે ગૃહસ્થને કોઈનેય રાગ તે મોક્ષમાર્ગ નથી. શુદ્ધજ્ઞાનના આશ્રયે જેટલા
રત્નત્રય છે તેટલો જ મોક્ષમાર્ગ છે.
મોક્ષ શું છે? મોક્ષ એ સર્વ કર્મના અભાવરૂપ શુદ્ધ આત્મપરિણામ છે.
મોક્ષનું કારણ શું? કે જેવું કાર્ય શુદ્ધ છે તેવું જ તેનું કારણ પણ શુદ્ધ જ છે. કારણ
અને કાર્યની જાત એક જ હોય. ઓછા–પૂરાનો ભેદ હોય પણ બંનેની જાત તો એક જ
હોય. કાર્ય શુદ્ધ અને તેનું કારણ અશુદ્ધ–એમ ન બને. કાર્ય વીતરાગ અને તેનું કારણ
રાગ–એમ ન હોય. જેમ મોક્ષ તે પૂર્ણ શુદ્ધતારૂપ અને રાગના અભાવરૂપ છે તેમ તે
મોક્ષના સાધનરૂપ રત્નત્રય તે પણ શુદ્ધ અને રાગના અભાવરૂપ જ છે. ભલે
સાધકદશામાં કેવળજ્ઞાન જેવી પૂર્ણ શુદ્ધિ ન હોય, તો પણ ત્યાં જેટલી શુદ્ધતા છે તેટલો જ
મોક્ષમાર્ગ છે, ને જેટલો રાગ છે તે મોક્ષમાર્ગ નથી. ધર્માત્મા તે રાગને મોક્ષમાર્ગપણે
નથી સેવતા, પણ રત્નત્રયની શુદ્ધિને જ મોક્ષમાર્ગપણે સેવે છે.
હે ભાઈ, તીર્થંકરોએ તો આવો શુદ્ધ આત્માશ્રિત રત્નત્રયરૂપ મોક્ષમાર્ગ સેવ્યો છે,
તો તું વળી દોઢ ડાયો થઈને એનાથી બીજો મોક્ષમાર્ગ ક્્યાંથી લાવ્યો? શરીરની ક્રિયાને
આશ્રિત કે રાગને આશ્રિત મોક્ષમાર્ગ થાય–એ તો તારી દુર્બુદ્ધિ છે. અરે, દેહની ક્રિયાથી
ધર્મ થાય–એ વાત અર્હંતના શાસનમાં કેવી? અર્હંતના શાસનમાં તો દેહને પરદ્રવ્ય કહેલ
છે, તે પરદ્રવ્યને આશ્રિત આત્માનો મોક્ષમાર્ગ જરાપણ નથી. માટે હે ભવ્ય! એવા
પરદ્રવ્યનું મમત્વ છોડ ને શુદ્ધ આત્માનો આશ્રય કરીને સમ્યગ્દર્શન–જ્ઞાન–ચારિત્રરૂપ
મોક્ષમાર્ગમાં તારી બુદ્ધિ જોડ.
શુદ્ધ જ્ઞાનમય આત્મા છે, તે અમૂર્તિક છે; આવા શુદ્ધ જ્ઞાનમય આત્મામાં દેહ કે
રાગાદિ નથી, એટલે તે દેહાશ્રિત કે રાગાશ્રિત મોક્ષમાર્ગ નથી. દેહથી ને રાગથી પાર
એવા શુદ્ધ જ્ઞાનમય આત્માનું સેવન તે જ મોક્ષમાર્ગ છે. પરંતુ દ્રવ્યલિંગ (એટલે કે