: ૧૬ : : મહા :
આ માસની વિવિધ વાનગી
(ચર્ચા અને પ્રવચનો ઉપરથી : પોષ માસ)
ઓ.....ળ.....ખા.....ણ
ભાઈ, જગત સાથેની ઓળખાણ તને આત્મામાં કામ નહિ આવે; આત્માની
ઓળખાણ જ તને કામ આવશે, માટે એની ઓળખાણ કર. અમારે દુનિયાના મોટામોટા
માણસો સાથે નજીકની ઓળખાણ–પિછાણ છે–એમ માનીને સંતુષ્ટ થઈ જાય ને
આત્માને ભૂલી જાય,–પણ ભાઈ, દુનિયામાં સૌથી મોટો આ આત્મા....એ મોટા પુરુષની
ઓળખાણ વગર દુનિયાની ઓળખાણ તને ક્યાંય શરણરૂપ થવાની નથી. ખરો
શરણરૂપ આત્મા છે–તેની ઓળખાણ કર.
ધ્યાન
* નિજસ્વરૂપ ઉપર મીટ માંડ કે એક ક્ષણમાં મોક્ષ.
* આવા નિજસ્વરૂપના ધ્યાનનો અભ્યાસ હંમેશ કર્તવ્ય છે.
* હે મોક્ષાર્થી! બીજા ઘણા બાહ્ય પદાર્થોથી તારે શું પ્રયોજન છે? આ ચૈતન્ય–
પરમાત્માનું જ તું ધ્યાન કર.
* ચૈતન્યનું વીતરાગી ધ્યાન જ મોક્ષનું કારણ છે, બીજું કોઈ મોક્ષનું કારણ નથી.
સમ્યગ્દર્શન જ્ઞાન ચારિત્ર એ ત્રણે શુદ્ધાત્માના ધ્યાનરૂપ છે.
આનંદનો માર્ગ પણ આનંદરૂપ છે.
મોક્ષ પરમ આનંદધામ છે. એનો માર્ગ પણ આનંદધામમાં જ છે. રાગ તો
આકુળતાનું ધામ છે, તે કાંઈ આનંદનું ધામ નથી, તેથી તેમાં મોક્ષમાર્ગ નથી. જેમ મોક્ષ
આનંદસ્વરૂપ છે તેમ તેનો માર્ગ પણ આનંદસ્વરૂપ છે; એમાં આકુળતાનું સ્થાન નથી,
એમાં રાગનું સ્થાન નથી. રાગ રાગમાં રહ્યો પણ મોક્ષમાર્ગમાં નથી. જે ભાવ
મોક્ષમાર્ગરૂપ છે તેમાં રાગનો અભાવ છે.
મ...હ....ત્ત્વ...નું
શુદ્ધસ્વભાવને ભૂલીને રાગને–વ્યવહારને ધર્મ માનનારા જીવો નિશ્ચય–વ્યવહાર
બંનેને ભૂલી રહ્યા છે; તેઓ વ્યવહારોને તો તેની મર્યાદા કરતાં વધુ મહત્ત્વ આપે છે ને
નિશ્ચયનું જે પરમ મહત્ત્વ છે તેને ભૂલી જાય છે.