: મહા : : ૧૭ :
આત્મધ્યાન
અંતર્મુહૂર્ત પહેલાં ચોથા ગુણસ્થાને હોય ને અંતર્મુહૂર્તમાં સિદ્ધાલયમાં પહોંચી
જાય, એવું ઘણા જીવોને બને છે. પ્રથમના ૧૬ તીર્થંકરોની તીર્થંકરપણાની ઉત્પત્તિના
પ્રથમ જ દિવસે અમુક જીવો અંતર્મુહૂર્તમાં જ ચારિત્ર અને કેવળજ્ઞાન પામીને મોક્ષદશા
પામ્યા....આવું ચૈતન્યધ્યાનનું અગાધ સામર્થ્ય છે. માટે હે જીવ! તું પણ આવા
આત્મધ્યાનમાં તત્પર થા.
જડવાદી
ઈન્દ્રિયજ્ઞાનથી આત્મા જણાઈ જશે એમ જે માને છે તે આત્માને જડ માને છે,
કેમકે ઈન્દ્રિયજ્ઞાનથી જે જણાય તે તો રૂપી અને જડ હોય. રાગ એ પણ ઈન્દ્રિયજ્ઞાનની
જ જાત છે; તે રાગવડે આત્મા જણાશે એમ માનનાર પણ ખરેખર આત્માને જડ માને
છે; જડથી ભિન્ન આત્માને તે જાણતો નથી.
ચૈતન્યમૂર્તિ અરૂપી આત્મા તો ઈન્દ્રિયાતીત જ્ઞાનનો વિષય છે, રાગથી પાર છે.
અચિંત્ય આત્મસ્વભાવને જાણનાર જ્ઞાન પણ અચિંત્ય થઈ ગયું છે.
જ્ઞાતા બધાયનો, પણ જ્ઞેય થોડાનો
આત્મા બધા દ્રવ્યોનો જ્ઞાતા છે, પરંતુ આત્મા બધા દ્રવ્યોનું જ્ઞેય નથી. જડ–
ચેતન બધા પદાર્થોને આત્મા જાણે છે તેથી જ્ઞાતા તો બધા દ્રવ્યોનો છે; પરંતુ સામા
ચેતન પદાર્થોનો જ આત્મા જ્ઞેય થાય, અચેતન પદાર્થોનો જ્ઞેય આત્મા થતો નથી, કેમકે
અચેતન પદાર્થોમાં જ્ઞાન નથી.
જ્ઞાતા એક, જ્ઞેય બધાય
જ્ઞેય તો છએ દ્રવ્યો છે પણ જ્ઞાતા એકલું આત્મદ્રવ્ય જ છે. છએ દ્રવ્યોમાં
જ્ઞાતાપણું એક જીવમાં જ છે, જ્ઞેયપણું છએમાં છે. એટલે આત્મા બધા પદાર્થોને જાણે છે,
પણ બધા પદાર્થો કાંઈ આત્માને નથી જાણતા. આ રીતે જ્ઞાયકપણાની વિશિષ્ટશક્તિ
આત્મામાં જ છે.
જિજ્ઞાસવૃત્તિ
હું આત્માને જાણું–જાણું એવી જે જિજ્ઞાસાવૃત્તિનું ઉત્થાન તેનાથી આત્મા
અનુભવમાં આવતો નથી. જ્યારે આત્મા અંતરમાં એકાગ્ર થઈને નિરાલંબીપણે પોતે
પોતાને જાણે અનુભવે ત્યારે એ જિજ્ઞાસાવૃત્તિનું ઉત્થાન મટી જાય છે. જિજ્ઞાસવૃત્તિ હોય
પણ તે વૃત્તિમાં જ અટકી રહે તો આત્મા જણાતો નથી, કેમકે વૃત્તિના અવલંબનથી જ
આત્મા જણાઈ જતો નથી; તે વૃત્તિના અવલંબનથી આઘો ખસી, જ્ઞાનને નિરાલંબી
કરીને અંતરમાં વાળે ત્યારે જ આત્મા સ્વાનુભવથી જાણવામાં આવે છે. અરે
જિજ્ઞાસાવૃત્તિનુંય જ્યાં આલંબન નથી ત્યાં બીજા રાગનું કે બહારના નિમિત્તોનું
આલંબન કયાંથી હોય?