Atmadharma magazine - Ank 256
(Year 22 - Vir Nirvana Samvat 2491, A.D. 1965).

< Previous Page   Next Page >


PDF/HTML Page 25 of 29

background image
: ૨૨ : : મહા :
પણે એક અંતર્મુહૂર્ત જે ધ્યાવે છે તે કેવળજ્ઞાન અને મોક્ષ પામે છે. માટે હે મોક્ષાર્થી!
બીજા ઘણા બાહ્યપદાર્થોથી તારે શું પ્રયોજન છે? આ ચૈતન્ય પરમાત્માનું જ તું ધ્યાન
કર.
નિજસ્વરૂપ ઉપર મીટ માંડ...કે એકક્ષણમાં મોક્ષ. આવા નિજસ્વરૂપના ધ્યાનનો
હંમેશ અભ્યાસ કર્તવ્ય છે. અત્યારે પણ જેટલું ધ્યાન છે તેટલું મોક્ષનું કારણ છે.
ચૈતન્યના વીતરાગી ધ્યાન સિવાય મોક્ષનું કારણ બીજું કોઈ નથી.
શુદ્ધપરમાત્મતત્ત્વની ભાવના વગરનું શાસ્ત્રજ્ઞાન પણ મોક્ષનું સહકારી કારણ
થતું નથી. શાસ્ત્રજ્ઞાનનો હેતુ તો શુદ્ધપરમાત્મતત્ત્વની ભાવના (શ્રદ્ધા, જ્ઞાન, એકાગ્રતા)
કરવાનો જ હતો. એ હેતુને જે ભૂલી જાય છે તેને તો શાસ્ત્રજ્ઞાન મોક્ષને માટે નિરર્થક છે.
અને જેણે આત્મા જાણ્યો તેને કદાચિત શાસ્ત્રજ્ઞાન વિશેષ ન હોય તો પણ
બધા આગમનો સાર તેણે જાણી લીધો છે. કેવળજ્ઞાનનું સામર્થ્ય આત્મામાં છે, આવા
આત્માને જેેણે જાણ્યો તેણે સર્વ જાણી લીધું. બાર અંગનું પૂરું જ્ઞાન તેને જ થઈ શકે
છે કે જે આત્માને જાણતો હોય. અજ્ઞાનીને બાર અંગનું જ્ઞાન કદી ન હોય. જ્ઞાનીને
બાર અંગનું શાસ્ત્રજ્ઞાન કદાચ ન હોય–એક અંગનુંય જ્ઞાન ન હોય પરંતુ બારેઅંગના
સારભૂત જે શુદ્ધાત્મા તેને જાણ્યો ત્યાં તેમાં બારે અંગનું રહસ્ય સમાઈ ગયું. ૧૨
અંગનું–૧૪ પૂર્વનું રહસ્ય શું? કે શુદ્ધાત્માની અનુભૂતિ તે બાર અંગનું રહસ્ય, તે જ
સર્વ જિનશાસનનો સાર. જેને શુદ્ધાત્માની અનુભૂતિ નથી તેણે જૈનશાસનને જાણ્યું
નથી.
શુદ્ધાત્માનો માર્ગ જેણે જાણ્યો તેણે જીવની બધી માર્ગણા જાણી લીધી. અને જો
શુદ્ધાત્માને ન જાણે તો એકલી માર્ગણાના ભેદોમાંથી માર્ગ હાથ આવે તેમ નથી.
સાચોજીવ શું છે તેને ઓળખે પછી તેના ભેદ પ્રભેદ કેટલા છે ને કયાં છે તેની સાચી
શોધ કરી શકે. પણ જો જીવનું સાચું સ્વરૂપ ન જાણે તો ઈન્દ્રિયાદિને જ જીવ માની લ્યે,
ને સાચો જીવ તેના જાણવામાં આવે નહિ.
જેણે આત્મા જાણ્યો તેણે સર્વ જાણ્યું. લોકાલોકને તારે જાણવા હોય તો આત્માને
જાણ. લોકાલોક તરફ વળીને લોકાલોકને જાણવા માંગે તો લોકાલોકનું પૂરું જ્ઞાન કદી
થાય નહિ. પણ જો આત્મામાં લીન થઈને આત્માને જાણે તો આત્માની કેવળજ્ઞાનશક્તિ
ખીલતાં લોકાલોકનું પૂરું જ્ઞાન સહેજે થઈ જાય છે. આ રીતે સ્વસન્મુખ માર્ગ છે.
ભાઈ, તારા ચૈતન્યના મારગડા જગતથી જુદા છે. જગતને એકકોર રાખીને
આત્મા તરફ વળ, તો જ તને તારી મુક્તિનો મારગ હાથમાં આવશે.