Atmadharma magazine - Ank 256
(Year 22 - Vir Nirvana Samvat 2491, A.D. 1965).

< Previous Page   Next Page >


PDF/HTML Page 26 of 29

background image
: મહા : : ૨૩ :
(પરમાત્મપ્રકાશ–પ્રવચનોમાંથી)

અરે, સંસારમાં આ દુઃખનો કકળાટ! આ
અશાંતિ!! એમાંથી તારે બહાર નીકળવું હોય તો હે
જીવ! સંતો તને આ એક મંત્ર આપે છે કે તારો આત્મા
શુદ્ધ પરમાત્મા છે–તેની રુચિ કરીને તેનું જ રટણ
કર...જગતમાં સુખ કયાંય પણ હોય તો તે શુદ્ધાત્મામાં જ
છે. અહા, ચૈતન્યરત્નના આ અચિંત્ય પ્રભાવને રત્નત્રય
જ ઝીલી શકે....રાગ એને ઝીલી ન શકે.
* *
અહીં મોક્ષાર્થીને શું ઉપાદેય છે? કેવા સ્વભાવનું તેણે ચિંતન કરવું એ વાત
સમજાવે છે. હે જીવ! જ્ઞાનમય આત્મા સિવાય જે કોઈ અન્ય પરભાવો છે તે બધાને
છોડીને, પોતાના શુદ્ધઆત્મ–સ્વભાવનું તું ચિંતન કર. આત્મા કેવળજ્ઞાનાદિ
અનંતગુણોનો રાશી છે, ચૈતન્યપૂંજ છે, તેના ગુણો કદી તેનાથી જુદા પડતા નથી. પણ
રાગાદિ પરભાવો કાંઈ તારા સ્વભાવની ચીજ નથી, તે સ્વભાવમાંથી ઉપજેલા ભાવો
નથી પણ પરલક્ષે ઉપજેલા પરભાવો છે; તે બધાય પરભાવોને તું છોડ. પહેલાં તો ‘હુંં
જ્ઞાનમય છું ને આ પરભાવો તે હું નથી એમ શ્રદ્ધામાંથી ને જ્ઞાનમાંથી તેને છોડ; પછી
એ જ જ્ઞાનમય સ્વભાવને જ ઉપાદેય કરીને તેને ધ્યાનમાં ધ્યાવ. એમાં એકાગ્ર થઈને
એનું ચિંતન કરતાં સમસ્ત પરભાવો છૂટી જાય છે, ને ચારિત્રદશા પ્રગટે છે.
અહીં તો ભેદજ્ઞાન માટે નિયમ બતાવે છે કે વિશુદ્ધ જ્ઞાનદર્શનસ્વભાવથી વિરુદ્ધ
જે કોઈ ભાવો છે તે સર્વને જીવના સ્વભાવથી જુદા જાણો. ‘‘હું તો શુદ્ધ ચિન્મય ભાવ
જ છું, એ સિવાય બંધના હેતુભૂત એવા રાગાદિ ભાવો તે હું નથી.–આવા ભેદજ્ઞાનના
સિદ્ધાન્તનું સેવન મુમુક્ષુઓ કરે છે. ચૈતન્યની ભૂમિકામાંથી તો આનંદના ફૂવારા પ્રગટે
છે; ચૈતન્યભૂમિમાંથી કાંઈ રાગના અંકુરા નથી નીકળતા. રાગ તો આસ્રવ તત્ત્વ છે, ને
મોક્ષમાર્ગ સંવર–નિર્જરારૂપ છે, આસ્રવ–તત્ત્વમાંથી સંવરનિર્જરા કેમ આવે?
ચૈતન્યસ્વભાવને ઉપાદેય કરતાં સંવર–નિર્જરા ને મોક્ષતત્ત્વ પ્રગટે છે, આસ્રવ–બંધ