સોનગઢના ભાઈશ્રી વૃજલાલ નાગરદાસ મોદી મુંબઈમાં તા.૧૧–૧–૬પ ના રોજ
૪પ વર્ષ જેવી યુવાન અવસ્થામાં આકસ્મિક સ્વર્ગવાસ પામ્યા. હંમેશના નિયમ મુજબ
સવારે આઠેક વાગે તેઓ પેટ્રોલ પંપની દુકાને જવા માટે ઘરેથી સીડી ઉતરતા હતા. ત્યાં
વચ્ચે દાદરામાં જ અચાનક કેટલાક અજાણ્યા માણસોએ હુમલો કરીને, તેમના મસ્તક
ઉપર લાકડાથી ગંભીર પ્રહારો કરતાં તેમની ખોપરી તૂટી ગઈ, અને ત્યાં જ બેહોશ થઈ
ગયા.....ને તત્ક્ષણ ઈસ્પિતાલે લઈ જતાં તુરતમાં જ તેમનું પ્રાણપંખેરૂ ઊંડી ગયું. થોડી જ
મિનિટોમાં આ પ્રસંગ બની ગયો. હૂમલાખોર ખૂની લોકો તરત જ પલાયન થઈ ગયા.
હૂમલાખોર કોણ હતા ને શા કારણે આ બન્યું તે પણ હજી સુધી જાણી શકાયું નથી.
તેમના હાથમાં લગભગ સાડાચાર હજાર રૂા.જેટલી રકમ હતી, પણ તે રકમ હુમલાખોરો
લઈ ગયા નથી. આ સમાચારથી મુંબઈમાં તેમજ સોનગઢ વગેરેના મુમુક્ષુમંડળમાં
વૈરાગ્યની ઘેરી છાયા છવાઈ ગઈ છે. સદ્ગત શ્રી વજુભાઈ વૈષ્ણવ કુળમાં જન્મ્યા હોવા
છતાં સોનગઢમાં જૈનધર્મના રંગે રંગાઈ ગયા હતા. પૂ. ગુરુદેવ વગેરે પ્રત્યે તેમને ઘણી
ભક્તિ હતી અને તેઓ મુંબઈ મુમુક્ષુ મંડળના એક ઉત્સાહી કાર્યકર હતા. ભક્તિના
અનેકવિધ કાર્યોમાં પણ તેઓ ઉત્સાહથી ભાગ લેતા હતા. તેઓ દેવગુરુની ભક્તિમાં ને
ધાર્મિક ભાવનામાં આગળ વધીને આ ક્ષણભંગુર સંસારથી છૂટે એમ ઈચ્છીએ છીએ.
અરે! સંસારના આવા પ્રસંગ દેખીને મુમુક્ષુ આત્માઓનું હૃદય વૈરાગ્યથી રંગાઈ જાય છે
ને દેહાતીતપદની ઉગ્ર સાધનાને ઝંખે છે.....
પાલેજના શેઠશ્રી કુંવરજી જાદવજી પોષ સુદ ૧૩ના રોજ પાલેજ મુકામે સ્વર્ગવાસ
પામ્યા છે. તેઓ કેટલાક વખતથી બિમાર હતા, ગુરુદેવ પ્રત્યે તેઓ ઘણો પ્રેમ ધરાવતા હતા
ને તબીયત ઠીક ન હોવા છતાં થોડા દિવસ પહેલાં સોનગઢ આવી ગુરુદેવના દર્શન વગેરેનો
લાભ લઈ ગયા હતા. ધર્મપ્રેમમાં આગળ વધીને તેઓ આત્મહિત પામે એમ ઈચ્છીએ છીએ.
ધ્રાંગધ્રા નિવાસી શાહ ચીમનલાલ હરજીવનદાસના ધર્મપત્ની પ્રભાવતીબેન ૩૮
વર્ષની વયે અમદાવાદ મુકામે માગશર વદ ચોથના રોજ સ્વર્ગવાસ પામ્યા છે. તેઓ
અભ્યાસમાં આગળ વધીને તેઓ આત્મહિત સાધે–એ જ ભાવના.
ભાવનગરના ભાઈશ્રી હિંમતલાલ હરગોવિંદદાસના માતુશ્રી ચંચળબેન પોષ વદ
૧૦ના રોજ ભાવનગરમાં સ્વર્ગવાસ પામ્યા છે. તેઓ અવારનવાર સોનગઢ આવીને
ગુરુદેવના પ્રવચન વગેરેનો લાભ લેતા હતા; તેમને તત્ત્વનો પ્રેમ હતો. દેવગુરુની
ભક્તિમાં ને તત્ત્વપ્રેમમાં આગળ વધીને તેઓ આત્મહિત સાધે–એ જ ભાવના.