Atmadharma magazine - Ank 258
(Year 22 - Vir Nirvana Samvat 2491, A.D. 1965).

< Previous Page   Next Page >


PDF/HTML Page 5 of 37

background image
: ૨ : આત્મધર્મ : ચૈત્ર :
સાધક કઈ રીતે
આત્માને સાધે છે?
અનાદિના ભવદુઃખથી થાકીને પરમાત્મસ્વરૂપ સમજવા માટે જે
ઉત્સુક છે તેને તેનું સ્વરૂપ સમજાવીને સંતો કહે છે કે હે વત્સ!
શુદ્ધાત્માના આવા ઉપદેશનું અત્યંત દુર્લભપણું સમજી, તેની પ્રાપ્તિના
આ ઉત્તમ અવસરમાં તું પ્રમાદ છોડીને જાગૃત થા....ને તારા
શુદ્ધાત્માને અંર્ત પ્રયત્નવડે અનુભવમાં લે.
(પરમાત્મપ્રકાશ–પ્રવચનો)
આ જીવ અનાદિકાળથી સંસારભ્રમણમાં દુઃખી થઈ રહ્યો છે. કેમ દુઃખી થયો?
પોતાના શુદ્ધ પરમાત્મસ્વરૂપને નહિ જાણવાથી દુઃખી થયો; હવે એ દુઃખોથી છૂટવા માટે
પરમાત્મસ્વરૂપને જાણવા જે ઉત્સુક થયો છે એવા જીવને પરમાત્માનું સ્વરૂપ સમજાવવા
માટે આ–શાસ્ત્ર છે. આ શાસ્ત્રમાં શુદ્ધાત્માના ઉપદેશની પ્રધાનતા છે. શુદ્ધાત્માનો આવો
ઉપદેશ પ્રાપ્ત થવો જીવને બહુ જ દુર્લભ છે. ભાઈ, શુદ્ધાત્માના આવા ઉપદેશનું અત્યંત
દુર્લભપણું સમજી, તેની પ્રાપ્તિના ઉત્તમ અવસરમાં તું પ્રમાદ છોડીને જાગૃત થા.....ને
તારા શુદ્ધઆત્માને અંતરપ્રયત્ન વડે અનુભવમાં લે.
જો કે સંસારમાં તો એકેન્દ્રિયપણામાંથી બેઇંદ્રિયપણું થવું અનંત દુર્લભ છે.
એકેન્દ્રિયજીવો તો અનંતાનંત છે, ને ત્રસપર્યાયવાળા જીવો તો એના અનંતમા
ભાગે (અસંખ્યાતા જ) છે. આ રીતે એકેન્દ્રિયમાંથી બેઈન્દ્રિય વગેરે થવું દુર્લભ છે,
સંજ્ઞીપંચેન્દ્રિયપણું એનાથી પણ દુર્લભ છે; તેમાં પર્યાપ્તિ પૂરી થવી મુશ્કેલ છે, ઘણા
જીવો જન્મ્યા પહેલાં ગર્ભમાં જ મરી જાય છે. પર્યાપ્તિ મળે, મનુષ્યપણું મળે, સારૂં
કૂળ ને સારૂં ક્ષેત્ર મળે–એ બધું પણ દુર્લભ છે. જૈનધર્મ મળવો, જ્ઞાની સત્પુરુષનો
સંગ મળવો ને શુદ્ધાત્માનો ઉપદેશ મળવો–એ બધું પણ ઉત્તરોતર દુર્લભ છે.–દુર્લભ
હોવા છતાં આટલું તો જીવ પૂર્વે પામી ચૂકેલો છે, એ પુણ્યના ફળથી મળે છે એટલે
તેની કે પુણ્યથી અપૂર્વતા નથી. એટલું બધુંય મળ્‌યા પછી પણ અંતરમાં શુદ્ધ
આત્માની અનુભૂતિ સહિત સમ્યગ્દર્શન પ્રગટ કરવું તે અપૂર્વ દુર્લભ છે, ને એનાથી
જ મોક્ષમાર્ગની પ્રાપ્તિ થાય છે. સમ્યગ્દર્શન કરતાંય સમ્યક્ચારિત્રની દુર્લભતા છે.–
પરંતુ શુદ્ધાત્માને ઉપાદેય કરવાથી જ સમ્યગ્દર્શનની પ્રાપ્તિ થાય છે. માટે
શુદ્ધાત્મસ્વરૂપને જ ઉપાદેય કરવું તે તાત્પર્ય છે.