: ૧૬ : આત્મધર્મ : વૈશાખ :
હોય એને ખ્યાલ આવે. ‘ત્રિકાળ દિવ્યધ્વનિ દાતારકી જય, દિવ્યધ્વનિ કી જય’–એમ
કહીને જ્ઞાનીઓ પણ ભગવાનની વાણીનું બહુમાન કરે છે. ભક્તિમાં પણ ગાય છે કે–
ધન્ય દિવ્યવાણી “કારને રે.....
જેણે પ્રગટ કર્યો આત્મદેવ......
જિનવાણી જયવંત ત્રણલોકમાં રે.....
આવી જિનવાણી તે સ્વરૂપના જ્ઞાનનું નિમિત્ત હોવાથી તે પૂજ્ય છે. એ જ રીતે
જિનપ્રતિમા વગેરેમાં પણ પૂજ્યપણું છે, કેમકે તે પણ સર્વજ્ઞપરમાત્માનું પ્રતિબિંબ છે.
જિનવાણીને ધર્મની માતા કહેવામાં આવી છે, માતાની જેમ તે પૂજ્ય છે. પહેલાં વાણીના
વાચ્યરૂપ શુદ્ધઆત્માને નમસ્કાર કર્યા; અહીં શુદ્ધાત્માની વાચક એવી, વાણીને નમસ્કાર
કર્યા. બીજી લૌકિક વાણી કરતાં આ શુદ્ધાત્મસ્વરૂપને કહેનારી વાણીમાં વિશેષતા છે.
ધર્મીને પણ તેના પ્રત્યે પૂજ્યભાવ આવે છે.
જિનવાણી જે ભિન્ન આત્મા દેખાડે છે તે કેવો છે? સર્વજ્ઞવીતરાગસ્વરૂપ ભિન્ન
આત્મા પોતાના અપાર–અપાર ગુણો સહિત છે. શુદ્ધ પરમાત્મા નિર્ગુણ નથી; જો
શુદ્ધઆત્મામાં ગુણનો વિનાશ થાય તો તો આત્માનો જ નાશ થઈ જાય, કેમકે ગુણો
અને દ્રવ્ય અભેદ છે તેથી ગુણનો નાશ થતાં દ્રવ્યનો પણ નાશ થઈ જાય.–પણ એમ કદી
બનતું નથી. સર્વજ્ઞ–વીતરાગસ્વરૂપ શુદ્ધઆત્મા સદાય અનંતધર્મો સહિત છે,–એવા
અનંતધર્મસ્વરૂપ શુદ્ધઆત્માને પ્રકાશનારી અનેકાન્તમયી દિવ્યવાણી જયવંત હો.–એમ
કહીને બીજા શ્લોકમાં જિનવાણી–નમસ્કારરૂપ મંગળ કર્યું.
હવે ત્રીજા શ્લોકમાં ટીકાકાર અમૃતચંદ્ર આચાર્યદેવ કહે છે કે આ શાસ્ત્રની
ટીકાદ્વારા મને મારા પરમશુદ્ધસ્વરૂપની પ્રાપ્તિ થાઓ, અર્થાત્ મારી પરિણતિમાં સર્વોત્કૃષ્ટ
વિશુદ્ધિ થાઓ. આ સમયસારમાં કહેલા શુદ્ધાત્મસ્વરૂપનું ઘોલન કરતાં કરતાં પરિણતિ
શુદ્ધ થતી જ જાય છે.–એ વાત ત્રીજા કળશમાં કહેશે.
––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––
ભક્તિ
જેને જ્ઞાની પ્રત્યે સાચી ભક્તિ નથી તેને
જ્ઞાનસ્વરૂપ પોતાના આત્માની સાચી ભક્તિ નથી.
પોતાના જ્ઞાનસ્વરૂપ આત્માને જે સાધવા માગે છે
તેને, તે જ્ઞાનસ્વરૂપના સાધક બીજા ધર્માત્માઓ પ્રત્યે
અત્યંત પ્રમોદ અને બહુમાન ભાવ જરૂર ઉલ્લસે છે.