વખત વીતાવવો એ મને ઉપાધિરૂપ લાગે છે, મારું હૃદય નિવૃત્તિને
ઝંખી રહ્યું છે.
ત્યારે હીરાચંદજી મહારાજના મુખમાંથી ભદ્રભાવે વચન નીકળી
ગયા કે–કાનજી! તને આ બધું ન ગોઠતું હોય તો વસ્ત્ર–પાત્ર વગરના
સાધુ શોધી કાઢજે!
એમના આ વચનમાં તો ભવિષ્યના ભણકાર હતા....ભાવિની
આગાહી હતી. અંતે તો એ આગાહી સાચી જ પડી. થોડા જ વખતમાં
એ વૈરાગી આત્માએ ખરેખર વસ્ત્રપાત્ર વગરના દિગંબર સાધુ શોધી
કુંદકુંદાચાર્ય આદિ દિગંબર સંતોના એ પરમ ભક્ત બન્યા. તેઓ
દિગંબર મુનિદશાનો મહિમા કરતાં દ્રઢતાપૂર્વક કહે છે કે દિગંબર
જૈનધર્મ એ જ પરમસત્ય ધર્મ છે. બાહ્ય તેમજ અભ્યંતર સંપૂર્ણ
નિર્ગ્રંથતા વિના કોઈ જીવ મોક્ષ પામી શકે નહિ. ઘણીવાર
મુનિદર્શનની ઉર્મિથી તેઓ કહે છે કે અહા, કોઈ મુનિ આકાશમાર્ગે
આવીને દર્શન કરાવે તો ધન્ય ઘડી ને ધન્ય ભાગ્ય! અધ્યાત્માનું
શ્રવણ કરાવનારા કોઈ સંત–મુનિ મળે તો એમના ચરણ પાસે બેસીને
આ વાત સાંભળીએ.
આજે તો મુનિભક્ત આ મહાત્મા દિગંબર જૈનધર્મના પરમ
પ્રભાવક બન્યા છે.