Atmadharma magazine - Ank 259
(Year 22 - Vir Nirvana Samvat 2491, A.D. 1965).

< Previous Page   Next Page >


PDF/HTML Page 29 of 89

background image
: ૧૮ : આત્મધર્મ : વૈશાખ :
પરિણતિની પૂર્ણ શુદ્ધતાની ભાવના કરી છે. આમ કહીને શુદ્ધદ્રવ્ય અને પર્યાય બંનેનું
જ્ઞાન કરાવી દીધું. વસ્તુપણે તો હું શુદ્ધ ચૈતન્યમૂર્તિ, રાગાદિ ઉપાધિ વગરનો, સુખનો
પૂંજ છું– આવા નિજસ્વરૂપનું ભાન તો છે, સાધકદશા તો છે, પણ હજી પર્યાયમાં કાંઈક
અશુદ્ધતાનો પ્રવાહ અનાદિથી ચાલ્યો આવે છે, તે અશુદ્ધતાનો નાશ થઈને શુદ્ધાત્માના
ઘોલનવડે મારી પરમ વિશુદ્ધિ પ્રગટો.
અશુદ્ધતાનું નિમિત્ત મોહકર્મ છે; ને શુદ્ધતાનું કારણ શુદ્ધાત્માની ભાવના છે. હવે
મારી પરિણતિ આ સમયસારની ટીકા વડે–ટીકામાં કહેલા શુદ્ધાત્માના ઘોલનવડે.
શુદ્ધાત્મા તરફ ઢળે છે, ને મોહના ઉદય તરફ પરિણતિ ઢળતી નથી, એટલે મોહનો નાશ
થઈને પરિણતિ શુદ્ધ થતી જાય છે. અને જે કોઈ શ્રોતા આ સમયસારની ટીકામાં કહેલા
ભાવોનું ભાવશ્રુતવડે ઘોલન કરશે તેને પણ મોહનો નાશ થશે ને સમ્યક્ત્વાદિ
શુદ્ધપરિણતિ પ્રગટ થશે. ‘મારા અને પરના મોહના નાશને માટે હું આ સમયસાર કહું
છું–એમ કહીને આચાર્યદેવે આ શાસ્ત્રનું ઉત્તમ ફળ બતાવ્યું છે. આત્માનું શુદ્ધસ્વરૂપ
દેખાડીને આ શાસ્ત્ર મોહનો નાશ કરાવનારું છે.
આ આત્મસ્વરૂપનું જ્ઞાનસ્વરૂપ ને સુખસ્વરૂપ છે; પર્યાયમાંથી અશુદ્ધતાનો
વિનાશ થતાં તે જ્ઞાન ને સુખ વ્યક્ત થાય છે. પોતાના સ્વભાવમાં હતા તે જ પર્યાયમાં
પ્રગટ થાય છે.
પ્રશ્ન:– જીવનો સ્વભાવ તો શુદ્ધ છે; પર્યાયમાં અનાદિથી તેને જે અશુદ્ધતા છે તે
અશુદ્ધતામાં કાંઈ નિમિત્તમાત્ર છે કે નહીં? સ્વાધીન વસ્તુ પોતે વિકારરૂપે પરિણમી તો
તેમાં કોઈ નિમિત્ત છે કે નહિ?
ઉત્તર:– હા, નિમિત્તમાત્ર પણ છે.–કોણ નિમિત્ત છે? તો કહે છે કે મોહકર્મના
ઉદયનો વિપાક અશુદ્ધતાનું નિમિત્ત છે. જીવના અશુદ્ધભાવોથી પૂર્વે બંધાયેલું જે મોહકર્મ
તે ઉદયકાળે અશુદ્ધતાનું નિમિત્ત છે.–પણ અહીં તો કહે છે કે શુદ્ધાત્મસ્વભાવના ઘોલનને
લીધે શુદ્ધતા વધતાં, તે મોહ અશુદ્ધતાનું નિમિત્ત થયા વગર જ નષ્ટ થઈ જશે.
સમયસારની ટીકા કરતાં કરતાં ભાવશ્રુતમાં શુદ્ધાત્માનું એવું જોસદાર ઘોલન ચાલશે કે
પરિણતિ શુદ્ધ થઈ જશે ને મોહની મલિનતા તેમાંથી નીકળી જશે. પરિણતિનું
શુદ્ધસ્વરૂપમાં જ વ્યાપ્ય–વ્યાપકપણું થશે એટલે અશુદ્ધતા સાથેનું વ્યાપ્ય–વ્યાપકપણું મટી
જશે. શાસ્ત્રનું આવું ફળ છે, એટલે આવો ભાવ જે પ્રગટ કરે તે જ આ શાસ્ત્રને
સમજ્યો કહેવાય. અહો, આત્માને ન્યાલ કરી દ્યે એવા ભાવો સન્તોએ આ શાસ્ત્રમાં
ભર્યા છે; આ તો ભાગવતશાસ્ત્ર છે, ભગવાન આત્માનું ભાગવત છે.