પરિણમન થાય છે, તે અનિયત છે, અસંખ્યપ્રદેશનો કોઈ નિયત આકાર નથી પણ
અનેક આકારો બદલે છે; આવું અનિયતપણું લક્ષમાં લેતાં શુદ્ધજીવતત્ત્વ અનુભવમાં નથી
આવતું. શુદ્ધ ચેતનાસ્વરૂપ છે તે જીવતત્ત્વનો નિયત–એકરૂપ રહેનાર ભાવ છે; દર્શન–
જ્ઞાન–ચારિત્ર વગેરે ગુણોનો ભેદ છે તે વિશેષભાવ છે, તે ગુણભેદના આશ્રયદ્વારા પણ
શુદ્ધજીવવસ્તુ અનુભવમાં ન આવે. એ વિશેષો રહિત એટલે ગુણભેદના વિકલ્પો રહિત
શુદ્ધજીવવસ્તુ છે. રાગાદિક ઉપાધિભાવો છે તે સંયુક્તભાવ છે. અહીં કર્મથી
સંયુક્તપણાની વાત ન લીધી, પણ પરભાવથી સંયુક્તપણાની સૂક્ષ્મ વાત લીધી, એવું
સંયુક્તપણું શુદ્ધ જીવવસ્તુના અનુભવમાં આવતું નથી. જે બદ્ધ–સ્પષ્ટ આદિ
વિભાવપરિણામો કહ્યા તે સંસારઅવસ્થાયુક્ત જીવોને અવસ્થામાં છે, પણ શુદ્ધ
જીવસ્વરૂપની સ્વાનુભૂતિમાં તેનો અભાવ છે. સ્વાનુભૂતિમાં તે પરભાવો પ્રવેશતા નથી;
તે તો ઉપર ને ઉપર બહાર જ રહે છે. જ્ઞાનગુણરૂપ શુદ્ધજીવ તો ત્રિકાળગોચર છે,
ત્રણેકાળ શુદ્ધસ્વરૂપે રહેનાર છે, તે પરવસ્તુને તો સ્પર્શ્યો નથી, ને પરભાવને ય તે
અડયો નથી. શુદ્ધસ્વભાવ તો વિકારને સ્પર્શ્યો નથી, ને તે સ્વભાવના અનુભવરૂપ
પર્યાય પણ તે વિકારભાવોને સ્પર્શતી નથી.–માટે હે જીવ! તારે સમ્યક્ત્વ કરવું હોય,
શુદ્ધ વસ્તુનો અનુભવ લેવો હોય તો, એ પર્યાયના વિભાવોની દ્રષ્ટિ છોડીને આવા
સ્વભાવની સન્મુખ થા. શુદ્ધ જીવના સ્વરૂપના અનુભવમાં જે પર્યાય વળી તે પર્યાય
સમસ્ત પરભાવોથી ભિન્ન છે. ચોથા ગુણસ્થાને શુદ્ધ આત્માની આવી અનુભૂતિ થાય છે.
ચોથા ગુણસ્થાને સમ્યગ્દ્રષ્ટિને અનુભૂતિમાં સર્વ પરભાવનો અભાવ છે.
મહિમાવંત ચૈતન્યસૂર્ય છે તેને નથી દેખતો, તે જીવ મિથ્યાદ્રષ્ટિ છે. ભાઈ, ત્રિકાળને
ભૂલીને એકલા ક્ષણિક વિકાર જેટલી જ વસ્તુ તેં માની! પણ એ વિકાર કાંઈ
ત્રિકાળગોચર નથી; મોક્ષદશા થતાં તેનો સર્વથા અભાવ થાય છે,–એટલે અત્યારે જ
શુદ્ધવસ્તુમાં તેનો અભાવ છે–એમ તું શુદ્ધદ્રષ્ટિથી શુદ્ધવસ્તુને અનુભવમાં લે....તો જ
સમ્યગ્દર્શન થાય. સમ્યગ્દર્શન થતાં પર્યાયમાંથી પણ પરભાવ છૂટવા માંડયા. સ્વભાવ
તરફ વળેલી પર્યાયમાં પરભાવો છે જ નહિ. આમ પર્યાયમાં પણ શુદ્ધતા અનુભવાય
ત્યારે જીવવસ્તુના શુદ્ધસ્વરૂપને જાણ્યું કહેવાય. શુદ્ધસ્વરૂપને જાણ્યું ને પર્યાયમાં જરાય
શુદ્ધતા ન આવી–એમ બને નહિ. જે મોક્ષમાં નથી તે જીવના શુદ્ધસ્વરૂપમાં નથી;–આ
રીતે આત્માના શુદ્ધસ્વરૂપનો નિર્ણય કરીને, હે જગતના જીવો! તમે તેનો અનુભવ કરો.