: વૈશાખ : આત્મધર્મ : ૩૯ :
શુદ્ધ વસ્તુ છે એવો જ એનો અનુભવ છે. શુદ્ધવસ્તુમાં જેમ અશુદ્ધતા નથી, તેમ તેની
અનુભૂતિમાં પણ અશુદ્ધતા નથી. નિરૂપાધિરૂપે વસ્તુ જેવી છે તેવી પ્રત્યક્ષ સ્વાદમાં આવે
તેનું નામ શુદ્ધાત્માનો અનુભવ છે. આવો અનુભવ શુદ્ધનયવડે થાય છે, તેથી
અનુભૂતિને શુદ્ધનયસ્વરૂપ કીધી છે.–અશુદ્ધતા, વિકલ્પ, રાગ તેમાં સમાય નહિ.–આવી
અનુભૂતિમાં સમ્યગ્દર્શન–જ્ઞાન–ચારિત્રરૂપ મોક્ષમાર્ગ સમાય છે.
અનુભૂતિએ જ્યાં નિજ સ્વરૂપમાં પ્રવેશ કર્યો ત્યાં તેમાં એકલા શુદ્ધદ્રવ્યનો જ
સ્વાદ રહ્યો, બીજા બધાય પરભાવો બહાર રહી ગયા. આવી અનુભૂતિ કરવાની
શાસ્ત્રની આજ્ઞા છે, કેમકે તે જ મોક્ષમાર્ગ છે–એમ જાણ્યું.
જેણે જ્ઞાનસ્વરૂપ શુદ્ધઆત્માનો અનુભવ લીધો તેણે બારે અંગનું રહસ્ય જાણી
લીધું; બાર અંગમાં પણ શુદ્ધાત્માના અનુભવનો જ ઉપદેશ છે, ને તેને જ મોક્ષમાર્ગ કહ્યો
છે, કોઈને સંશય થાય કે બાર અંગનું જ્ઞાન તે કોઈ અપૂર્વ લબ્ધિ છે, એટલે શાસ્ત્રના
જાણપણાની જ મહત્તા લાગે ને અનુભવનો મહિમા ન જાણે, તો કહે છે કે ભાઈ,
આત્માનુભવ એ જ મોક્ષમાર્ગ છે–એમ દ્વાદશાંગમાં પણ કહ્યું છે. માટે જ્યાં શુદ્ધાત્માની
અનુભૂતિ થઈ ત્યાં એવો કોઈ નિયમ નથી કે આટલા શાસ્ત્રનું જાણપણું હોવું જ
જોઈએ. જ્ઞાનની અનુભૂતિને મોક્ષમાર્ગ કહેતાં કોઈ શાસ્ત્રજ્ઞાનને મોક્ષમાર્ગ સમજી જાય,
તો કહે છે કે શાસ્ત્ર તરફનું જ્ઞાન તેમાં તો વિકલ્પ છે, તેને અમે ખરેખર જ્ઞાનઅનુભૂતિ
કહેતા નથી, શુદ્ધાત્માની જે અનુભૂતિ છે તે જ જ્ઞાનની અનુભૂતિ છે, ને તે જ મોક્ષમાર્ગ
છે. બાર અંગનું જ્ઞાન તો સમ્યગ્દ્રષ્ટિને સંયમીને જ ઊઘડે છે; સમ્યગ્દ્રષ્ટિનેય તેમાંય
વિકલ્પ છે, શાસ્ત્ર તરફનું જ્ઞાન તે મોક્ષનું કારણ નથી, તો પછી બીજો શુભરાગ મોક્ષનું
કારણ કેમ થાય? બાર અંગના શાસ્ત્રો પોતે એમ કહે છે કે અમારા તરફનું વલણ તે
મોક્ષનો માર્ગ નથી પણ તારા શુદ્ધસ્વરૂપની અનુભૂતિ કર, તે મોક્ષનો માર્ગ છે. શાસ્ત્ર
તરફ જોઈ રહે ને શાસ્ત્રે કહેલા આત્મા તરફ ન વળે તો તેણે ખરેખર શાસ્ત્રની આજ્ઞા
માની નથી. જેણે સ્વાનુભૂતિ કરી તેણે બધા શાસ્ત્રોનું રહસ્ય જાણી લીધું.
આ રીતે, સ્વાનુભૂતિને એવો કોઈ શાસ્ત્રજ્ઞાનનો પ્રતિબંધ નથી કે આટલા
શાસ્ત્રો ભણ્યો હોય તો જ અનુભૂતિ થાય? શાસ્ત્રો ન ભણ્યો હોય છતાં દેડકુંય
સ્વાનુભૂતિ કરી લ્યે. શાસ્ત્રો ભલે ન ભણ્યો પણ શાસ્ત્રોએ જે કરવાનું કહ્યું હતું તે તેણે
પોતામાં કરી લીધું એટલે શાસ્ત્રનું રહસ્ય તે સ્વાનુભૂતિ વડે પામી ગયો. અનુભૂતિ કાંઈ
શાસ્ત્રોને અવલંબતી નથી, અનુભૂતિ તો શુદ્ધ આત્માને જ અવલંબે છે. અહો! આવી
નિરાલંબી અનુભૂતિનો અપાર મહિમા છે. માટે
હે મોક્ષાર્થી જીવો! મોક્ષને માટે
શુદ્ધઆત્માની આવી અનુભૂતિ કરો.