: વૈશાખ : આત્મધર્મ : પ૧ :
પ્રયોજનરૂપ મુખ્ય વસ્તુ શુદ્ધાત્મા, એને જાણતાં સ્વ–પર બધાનું સમ્યગ્જ્ઞાન થયું. આથી
શ્રીમદ્ રાજચંદ્રજીએ કહ્યું છે કે ‘જેણે આત્મા જાણ્યો તેણે સર્વ જાણ્યું.’ અને અનંત
કાળથી જે જ્ઞાન ભવહેતુ થતું હતું તે જ્ઞાનને એક સમયમાત્રમાં જાત્યંતર કરી જેણે
ભવનિવૃત્તિરૂપ કર્યું તે કલ્યાણમૂર્તિ સમ્યગ્દર્શનને નમસ્કાર.’ આવા સમ્યગ્દર્શન વગરનું
બધુંય જ્ઞાન ને બધુંય આચરણ થોથાં છે.
જુઓ, આ સાધર્મી સાથેની ચર્ચા! બસો વરસ પહેલાં સાધર્મીઓના પ્રશ્નો
આવેલ તેના પ્રેમપૂર્વક જવાબ પં. ટોડરમલ્લજીએ લખ્યા છે. નિશ્ચય સમ્યગ્દર્શન પ્રત્યક્ષ
ને વ્યવહાર સમ્યગ્દર્શન પરોક્ષ–એમ છે કે નહિ? વગેરે પ્રશ્નોના જવાબમાં સમ્યગ્દર્શનની
ને સ્વાનુભૂતિ વગેરેની અધ્યાત્મ રહસ્ય ભરેલી ચર્ચાઓ આમાં લખી છે તેથી આને
‘રહસ્યપૂર્ણ ચિઠ્ઠિ’ કહેવાય છે. એમાં કહેશે કે સમ્યક્ત્વમાં કાંઈ પ્રત્યક્ષ અને પરોક્ષ એવા
ભેદ નથી; પ્રત્યક્ષ અને પરોક્ષ એવા ભેદ તો જ્ઞાનમાં પડે છે સમ્યક્ત્વ તો શુદ્ધાત્માની
પ્રતીતરૂપ નિર્વિકલ્પ છે. જ્ઞાનનો ઉપયોગ સમકિતીને સ્વમાં હો કે પરમાં હોય ત્યારે પણ
સમ્યક્ત્વ એવું ને એવું જ વર્તે છે.
અહીં તો કહે છે કે સમકિતી કદાચિત દોરડીને સર્પ સમજી જાય ઈત્યાદિ પ્રકારે
બહારના અપ્રયોજનરૂપ પદાર્થમાં અન્યથા જણાઈ જાય, તોપણ તેનું જ્ઞાન સમ્યગ્જ્ઞાન જ
છે, કેમકે એમાં કાંઈ જ્ઞાનના સમ્યક્પણાની ભૂલ નથી. પરંતુ એ તો તે પ્રકારના
ક્ષયોપશમનો અભાવ છે; જ્ઞાનાવરણના ઉદયજન્ય અજ્ઞાનભાવ જે બારમાગુણસ્થાન
સુધી હોય છે તે અપેક્ષાએ તેને ‘અજ્ઞાન’ ભલે કહેવાય, પરંતુ મોક્ષમાર્ગ સાધવા કે ન
સાધવાની અપેક્ષાએ જે સમ્યગ્જ્ઞાન ને મિથ્યાજ્ઞાન કહેવાય છે, તેમાં તો સમકિતીને બધું
સમ્યગ્જ્ઞાન જ છે, તેને મિથ્યાજ્ઞાન નથી. તેણે દોરડીને દોરડી ન જાણતાં સર્પની કલ્પના
થઈ ગઈ તો તેથી કરીને કાંઈ તેના જ્ઞાનમાં સ્વ–પરની એકત્વબુદ્ધિ કે રાગાદિ
પરભાવમાં તન્મયબુદ્ધિ થઈ જતી નથી, એટલે તેનું જ્ઞાન મિથ્યા થઈ જતું નથી, તે
વખતેય ભેદજ્ઞાન તો યથાર્થપણે વર્તી જ રહ્યું છે તેથી તેનું બધુંય જ્ઞાન સમ્યગ્જ્ઞાન જ છે.
લોકોને બહારના જાણપણાનો જેટલો મહિમા છે એટલો અંદરના ભેદવિજ્ઞાનનો મહિમા
નથી. સમ્યગ્દ્રષ્ટિનું જ્ઞાન ક્ષણેક્ષણે અંદરમાં શું કામ કરે છે તેની લોકોને ખબર નથી.
પ્રતિક્ષણે અંદરમાં સ્વભાવ ને પરભાવની વહેંચણીનું અપૂર્વકાર્ય એના જ્ઞાનમાં થઈ જ
રહ્યું છે. એ જ્ઞાન પોતે રાગથી જુદું પડીને સ્વભાવની જાતનું થઈ ગયું છે, એ તો
કેવળજ્ઞાનનો કટકો છે. આગળ એને ‘કેવળજ્ઞાનનો અંશ’ કહેશે. એ જ્ઞાન ઈન્દ્રિય–
મનદ્વારા નથી થયું પણ આત્માદ્વારા થયું છે.
જ્ઞાનીને પોતાના જ્ઞાનની સમસ્ત પરભાવોથી તદ્ન ભિન્નતા અનુભવમાં આવી
છે એટલે પહેલાં અજ્ઞાનદશામાં રાગમાં ને ઈન્દ્રિયોમાં તન્મય થઈને જે જ્ઞાન કામ કરતું
તે જ્ઞાન હવે પોતાના સ્વભાવમાં જ તન્મય રહીને કાર્ય કરે છે. મારું જ્ઞાન તો સદાય
જ્ઞાનરૂપ જ રહે છે, રાગરૂપ મારું જ્ઞાન થતું નથી.