: વૈશાખ : આત્મધર્મ : પ૯ :
ધ....ન્ય.....છે.....તે.....મ...ને.....
૨૦૦ વર્ષ પહેલાં પં. શ્રી ટોડરમલ્લજી લખે છે કે–આ વર્ત–
માનકાળમાં અધ્યાત્મરસના રસિક જીવો બહુજ થોડા છે;
ધન્ય છે તેમને....જેઓ સ્વાનુભવની વાર્તા પણ કરે છે.
વાહ, જુઓ આ સ્વાનુભવના રસનો મહિમા! જગતમાં સ્વાનુભવના રસિક
જીવો હંમેશા વિરલા જ હોય છે. જેને વિકારનો રસ છૂટીને અધ્યાત્મનો રસ જાગ્યો તે
જીવો ભાગ્યશાળી છે. सिद्ध समान सदा पद मेरो એવી અંતરદ્રષ્ટિ અને એના
સ્વાનુભવની ભાવના કરનારા જીવો ખરેખર ધન્ય છે.
અધ્યાત્મરસની પ્રીતિ એટલે કે ચૈતન્યસ્વભાવની પ્રીતિ, તેનો મહિમા અને ફળ
બતાવતાં વનવાસી દિગંબરસંત શ્રી પદ્મનંદીસ્વામી કહે છે કે આ ચૈતન્યસ્વરૂપ આત્મા
પ્રત્યે પ્રીતિચિત્તપૂર્વક–ઉત્સાહથી તેની વાર્તા પણ જેણે સાંભળી છે તે ભવ્યજીવ ચોક્કસ
‘ભાવિનિર્વાણનું ભાજન થાય છે, એટલે કે અલ્પકાળમાં તે અવશ્ય મોક્ષ પામે છે.
ચૈતન્યના સાક્ષાત્ સ્વાનુભવની તો વાત જ શી! પણ અંતરમાં તેના તરફનો પ્રેમ જાણ્યો
એટલે રાગાદિનો પ્રેમ તૂટયો તે જીવ પણ જરૂર મોક્ષ પામશે.
શાસ્ત્રકારે એક ખાસ શરત મૂકી છે કે “ચેતન્ય પ્રત્યેના પ્રેમથી” તેની વાત
સાંભળે, એટલે જેના અંતરમાં ઊંડેઊંડે પણ રાગનો પ્રેમ હોય, રાગથી લાભ થશે એવી
બુદ્ધિ હોય તેને ચૈતન્યનો ખરો પ્રેમ નથી પણ રાગનો પ્રેમ છે, તેને ચૈતન્યસ્વભાવ પ્રત્યે
ઊંડેથી ખરો ઉલ્લાસ ન આવે. અહીં તો સવળાની વાત છે.
રાગનો પ્રેમ ને શરીર–કુટુંબનો પ્રેમ તો અનાદિથી જીવ કરતો જ આવ્યો છે, પણ
હવે તે પ્રેમ તોડીને ચૈતન્યનો પ્રેમ જેણે જગાડયો, વીતરાગી સ્વભાવરસનો રંગ જેણે
લગાડયો તે જીવ ધન્ય છે....તે નીકટમોક્ષગામી છે.
ચૈતન્યની વાત સાંભળતાં અંદરથી રોમ રોમ ઉલ્લસી જાય....અસંખ્ય પ્રદેશ
ચમકી ઊઠે કે વાહ! મારા આત્માની આ કોઈ અપૂર્વ નવી વાત મને સાંભળવા
મળી.....કદી નહોતું સાંભળ્યું એવું ચૈતન્યતત્ત્વ આજ મારા સાંભળવામાં આવ્યું; પુણ્ય
અને પાપથી જુદી જ કોઈ આ વાત છે,–આમ અંત્રસ્વભાવનો ઉત્સાહ લાવીને અને
બર્હિભાવોનો ઉત્સાહ છોડીને એકવાર જેણે સ્વભાવનું શ્રવણ કર્યું–તેનો બેડો પાર!
શ્રવણ તો નિમિત્ત છે પણ તેના ભાવમાં આંતરો પડી ગયો, સ્વભાવ અને
પરભાવ વચ્ચે જરાક તિરાડ પડી ગઈ–તે હવે બંનેને જુદા અનુભવ્યે છૂટકો.