Atmadharma magazine - Ank 259
(Year 22 - Vir Nirvana Samvat 2491, A.D. 1965).

< Previous Page   Next Page >


PDF/HTML Page 71 of 89

background image
: ૬૦ : આત્મધર્મ : વૈશાખ :
‘હું જ્ઞાયક ચિદાનંદઘન છું, એક સમયમાં પરિપૂર્ણ શક્તિથી ભરેલો જ્ઞાન ને
આનંદનો સાગર છું’–આવી અધ્યાત્મની વાત સંભળાવનારા સંત–ગુરુ પણ મહા
ભાગ્યથી મળે છે, ને એવી વાત સાંભળવા મળી ત્યારે પ્રસન્નચિત્તથી, એટલે કે એના
સિવાયના બીજા બધાયની પ્રીતિ એકવાર છોડીને, અને એની જ પ્રીતિ કરીને, ‘મારે તો
આ જ સમજવું છે,–આનો જ અનુભવ કરવો છે’ એવી ઊંડી ઉત્કંઠા જગાડીને,
ઉપયોગને જરાક તે તરફ થંભાવીને, જે જીવે સાંભળ્‌યું તે જીવ જરૂર તેની પ્રીતિ આગળ
વધારીને સ્વાનુભવ કરશે, અને મુક્તિ પામશે.
એમને એમ સાંભળી લ્યે તેની વાત નથી, પણ અંતરમાં ચૈતન્યનો ઉલ્લાસ
લાવીને સાંભળે તેની વાત છે. શું સાંભળે? કે ચૈતન્યસ્વરૂપ આત્માની વાર્તા સાંભળે.
કેવી રીતે સાંભળે? કે ઉલ્લાસથી સાંભળે; રાગના ઉલ્લાસથી નહિ પણ ચૈતન્યના
ઉલ્લાસથી સાંભળે. આત્મસ્વરૂપની વાર્તા સાંભળતાં પ્રમોદ આવે–એટલે આના
શ્રવણવડે શુદ્ધાત્મા લક્ષગત કર્યો, તે અપૂર્વ છે.
અહો! એકવાર પણ અંતર્લક્ષ કરીને ચેતન્યના ઉલ્લાસથી તેની વાત જેણે
સાંભળી તેના ભવબંધન તૂટવા માંડયા. સ્વભાવમાં ઉલ્લાસ આવ્યો તો તે તરફ વીર્ય
ઝુકીને તેનો અનુભવ કરશે જ.
અહા, હું તો ચૈતન્યસ્વરૂપ......વીતરાગી સંતોની વાણી મારા ચૈતન્યસ્વરૂપનો જ
પ્રકાશ કરે છે–એમ અંતરમાં ચૈતન્યના ભણકાર લાવીને ઉત્સાહથી–વીર્યોલ્લાસથી જેણે
સાંભળ્‌યું તે અલ્પકાળમાં સ્વભાવના ઉલ્લાસના બળથી મોક્ષને સાધશે.
શ્રવણના વાચ્યભૂત ચૈતન્યના એકત્વસ્વરૂપ પ્રત્યે પ્રસન્નતા ને ઉલ્લાસ લાવીને,
અને જગતનો ઉલ્લાસ છોડીને, પરભાવનો પ્રેમ છોડીને તેનું જેણે શ્રવણ કર્યું તે જીવ
જરૂર સ્વાનુભવ કરીને મુક્તિ પામે છે. ચૈતન્યનો કોઈ અચિંત્ય–અપાર મહિમા છે તે
મહિમા જેણે લક્ષગત કર્યો તેણે પોતાના આત્મામાં મોક્ષના બીજડાં રોપ્યા.
અહા, એકલી ચૈતન્યવસ્તુ! જેના મૂળસ્વરૂપમાં રાગનોય પ્રવેશ નથી, પરથી તો
નિરપેક્ષ ને પરભાવોથી યે નિરપેક્ષ,–એના પ્રત્યે અંતરમાં ઉલ્લાસ લાવીને જ્ઞાનીના
શ્રીમુખે તેની વાત જેણે સાંભળી તેનું પરિણમનચક્ર મોક્ષ તરફ ફર્યું. તેથી કહ્યું કે–
ધન્ય છે તેમને.....કે જેઓ અધ્યાત્મરસના રસિક
થઈને આવી સ્વાનુભવની ચર્ચા પણ કરે છે.
(“અધ્યાત્મ સન્દેશ” પુસ્તકમાંથી સંકલિત)
(પં. શ્રી ટોડરમલ્લજી તથા પં. શ્રી બનારસીદાસજીને લખેલી ત્રણ અધ્યાત્મ
ચિઠ્ઠિઓ ઉપરનાં પૂ. શ્રી કાનજીસ્વામીનાં પ્રવચનો ‘અધ્યાત્મ સન્દેશ’ નામના પુસ્તકરૂપે
પ્રસિદ્ધિ થનાર છે.)