: જેઠ: આત્મધર્મ :૧૭:
ભગવાનનો વૈરાગ્ય
રાજકોટશહેરમાં પંચકલ્યાણક પ્રતિષ્ઠા
મહોત્સવ–પ્રસંગે ભગવાન શ્રી આદિનાથ પ્રભુના દીક્ષાકલ્યાણક બાદ
દીક્ષાવનમાં પૂ. ગુરુદેવનું ભાવભીનું પ્રવચન. (વૈશાખ સુદ દશમ)
ભગવાન ઋષભદેવને આત્મજ્ઞાન તો જન્મથી જ હતું; આજે વૈરાગ્ય પામીને
ભગવાને દીક્ષા અંગીકાર કરી ને મુનિ થયા. ભગવાન દીક્ષાકલ્યાણકની તૈયારી વખતે
બાર વૈરાગ્યભાવના ભાવતા હતા. તીર્થંકરો અને મુનિઓ વારંવાર બાર ભાવના ભાવે
છે–ભગવાન ઋષભદેવે પણ આજે દીક્ષાપ્રસંગે બાર ભાવના ભાવી હતી. અહો, ભગવાન
આજે બાર ભાવના ભાવીને મુનિ થયા. કેવી ભાવના ભાવી હતી ભગવાને?
અપૂર્વ અવસર એવો ક્્યારે આવશે?
ક્્યારે થઈશું બાહ્યાંતર નિર્ગ્રંથ જો.
સર્વ સંબંધનું બંધન તીક્ષ્ણ છેદીને,
વિચરશું કવ મહત્પુરુષને પંથ જો
અહો, અનંતા તીર્થંકરો જે પંથે વિચાર્યા તે પંથે ક્્યારે વિચરશું? ચૈતન્યસ્વરૂપમાં
લીન ક્્યારે થશું! એવી ભાવના ધર્મી જીવ વારંવાર ભાવે છે. પણ પહેલાં એવું સ્વરૂપ
જાણ્યું હોય તેને જ તેની ભાવના સાચી હોય. ભગવાને તો આજે એવી દશા સાક્ષાત્
પ્રગટ કરી. ચક્રવર્તીઓ પણ વૈરાગ્ય પામીને દીક્ષા લ્યે પાછળ હજારો રાણીઓ વિલાપ
કરતી હોય, પણ એ ચક્રવર્તી (શાંતિનાથ કુંથુનાથ વગેરે તીર્થંકર) કાંઈ સ્ત્રીના કારણે
સંસારમાં રોકાયા ન હતા, પોતાના રાગને કારણે રોકાયા હતા, તે રાગ તૂટયો ત્યાં હવે
કોઈ તેને સંસારમાં રોકી ન શકે. અરે રાણીઓ! તમારા પ્રત્યેનો અમારો રાગ મરી ગયો
છે તેને હવે તમે જીવતો કરી શકો તેમ નથી; જેમ મરેલા મડદાને જીવતા કરીને
સ્મશાનેથી પાછા લાવી શકાતા નથી તેમ જેનો રાગ તૂટયો ને વૈરાગ્ય પામીને સંસાર
છોડવા તૈયાર થયા તેને કોઈ રોકી શકે નહિ.
અરે, જગતમાં આત્મા સિવાય બીજું કોણ શરણ છે? આ દેહાદિ બધા સંયોગો
ક્ષણભંગુર છે. જુઓને, નાચ કરતાં કરતાં દેવીનું આયુષ પૂરું થઈ ગયું.–શ્રીમદ્ રાજચંદ્ર
બાર ભાવનાનું વર્ણન કરતાં કહે છે કે:–
વિદ્યુતલક્ષ્મી પ્રભુતા પતંગ,
આયુષ તે તો જલના તરંગ,
પુરંદરી ચાપ અનંગ રંગ,
શું રાચીઓ જ્યાં ક્ષણનો પ્રસંગ?