: ૨૦: આત્મધર્મ :જેઠ:
ભગવાને પૃથ્વીનું રાજ છોડીને દીક્ષા લીધી તેના વર્ણનમાં શાસ્ત્રકાર અલંકારથી
કહે છે કે હે નાથ! આપના વિયોગમાં આ પૃથ્વી ઉદાસ થઈને રડે છે. પોતાને
ભગવાનનો વિરહ છે તેનો આરોપ કરીને કહે છે કે પ્રભો! આપે દીક્ષા લઈને આ
પૃથ્વીને છોડી ત્યાં જગતમાં વૈરાગ્ય છવાઈ ગયો છે! અરે, નદી પણ કલકલ અવાજ
કરીને રૂદન કરે છે, આ પૃથ્વી આપના વિયોગે અનાથ બની છે. તે પાણીના પ્રવાહના
બહાને કલરવ અવાજ કરીને જાણે રડી રહી હોય–એમ અમને લાગે છે. અને આકાશમાં
વાદળાં જોતાં જાણે કે આપના ધ્યાનાગ્નિવડે ભસ્મ થયેલા કર્મોના ધૂમાડાના ગોટા
આકાશમાં ઉડતા હોય–એમ લાગે છે. જુઓ, જ્યાં જુએ ત્યાં ભગવાનના ભક્તને
ભગવાનની દશા યાદ આવે છે.
કુંદકુંદાચાર્ય ભગવાનના વિરહે સીમંધરનાથના સાક્ષાત્ દર્શન કરવા વિદેહક્ષેત્રે
ગયા. અંદર પોતાની સર્વજ્ઞદશાના વિરહમાં સંતો ચૈતન્યમાં લીન થઈને સર્વજ્ઞતાને સાધે
છે. આત્મામાં અપાર શક્તિ છે, તેમાંથી સર્વજ્ઞપદ પ્રગટે છે. અહો, એ સર્વજ્ઞપદની
ભાવના ભાવવા જેવી છે–
સર્વભાવ જ્ઞાતાદ્રષ્ટા સહ શુદ્ધતા
કૃતકૃત્ય પ્રભુ વીર્ય અનંત પ્રકાશ જો.
આવી સાદિઅનંત દશાને સાધીને ભગવાન અનંત સુખમાં બિરાજમાન થયા.
મુનિ થઈને ભગવાને શું કર્યું? કે અંતરમાં ચૈતન્યસ્વરૂપમાં લીનતા કરીને કેવળજ્ઞાન
સાધ્યું. આવા આત્માને ઓળખીને દરેક જીવે એની ભાવના ભાવવા જેવી છે.
જેને જેની લગની લાગી તેના
ઉદ્યમમાં તે કાળની મર્યાદા બાંધતો
નથી; તેના ઉદ્યમમાં વિલંબ પણ કરતો
નથી. ચૈતન્યની લગની કરીને તેની
પ્રાપ્તિના ઉદ્યમમાં જે લાગ્યો તે તેને
પ્રાપ્ત કર્યે જ છૂટકો. જેની પ્રીતિ લાગી
તેની પ્રાપ્તિના પ્રયત્નમાં વિલંબ ન
હોય, કે થાક ન હોય, કાળની મર્યાદા ન
હોય; ઉત્સાહથી તેના પ્રયત્નમાં
પ્રવર્તીને તેની પ્રાપ્તિ કરે જ.