: ૨૪: આત્મધર્મ :જેઠ:
જા.....તેમાં તને શરમ નથી લાગતી? વિકારની લાગણીમાં તન્મયતા વડે તારા આખા
ચૈતન્યરત્નાકરને તું ઢાંકી રહ્યો છે. નિર્મળ ચેતના પરિણતિરૂપે પરિણમીને તેનો કર્તા
થાય ને અતીન્દ્રિય આનંદને ભોગવે એવો તારા આત્માનો સ્વભાવ, તેના ઉપર
બલાત્કારથી તું તેને વિકારના કર્તૃત્વમાં રોકી રહ્યા છે ને દુઃખ ભોગવી રહ્યો છે. હવે એ
મિથ્યાબુદ્ધિ છોડ.....છોડ! ને વિકારથી ભિન્ન જ્ઞાનસ્વરૂપને દેખ.
જેનામાં જે વસ્તુ ન હોય તે પરાણે ઊભી કરવી–એનું નામ બલાત્કાર છે;
આત્મવસ્તુના સ્વભાવમાં જ્ઞાન–આનંદની મીઠાસ છે; વિકાર આત્મવસ્તુના સ્વભાવમાં
નથી, છતાં અજ્ઞાનથી તેમાં વિકારનું કર્તાપણું માનીને અજ્ઞાની બલાત્કારથી વિકારનું
કર્તૃત્વ ઊભું કરે છે. જ્ઞાની સ્વભાવના બળપૂર્વક એ વિકારના કર્તૃત્વને છોડે છે. એક
માણસ ચોકખો હોય–નિર્દોષ હોય ને તેને કોઈ કહે કે ના, તારામાં કલંક છે, એમ પરાણે
કલંક નાખે તો તે બલાત્કાર છે; તેમ ચિદાનંદ સ્વભાવ શુદ્ધ, કલંક વગરનો છે, તે
સ્વભાવને ન સ્વીકારતાં અજ્ઞાની કહે છે કે એમાં વિકારનું કર્તૃત્વ છે, અમે પરાણે
મિથ્યાબુદ્ધિથી આત્માના સ્વભાવમાં વિકારના કર્તૃત્વનું કલંક નાંખે છે તે બલાત્કાર છે,
પોતે પોતાના આત્મસ્વભાવ ઉપર બલાત્કાર કરે છે, ને તેથી સંસારમાં રખડીને દુઃખી
થાય છે.
જેમ મૃગજળમાં–ઝાંઝવામાં જળ ન હોવા છતાં મૃગલા અજ્ઞાનથી તેને જળ
માનીને પીવા દોડે છે; એ મૃગની તૃષા કયાંથી મટે? ને તેને ક્્યાંથી શાંતિ થાય? તેમ
વિકારીભાવો તે ઝાંઝાવાના જળ જેવા છે, તેમાં ચૈતન્યની શાંતિ ન હોવા છતાં અજ્ઞાની
જીવ મૃગલાંની માફક અજ્ઞાનથી તેમાં શાંતિ માનીને તેના કર્તૃત્વમાં ધસે છે, પણ
વિકારના કર્તૃત્વમાં ચૈતન્યની શાંતિ ક્યાંથી મળે? અરે ભાઈ, વિકારમાં તારી શાંતિ
કેવી? તારા આત્માને એના કર્તૃત્વમાં તું ન રોક, મૃગજળમાંથી જો મૃગલાને પાણી મળે
ને તૃષા છીપે તો વિકારમાંથી તને શાંતિ મળે! વિકારમાંથી તું પરાણે શાંતિ લેવા માંગીશ
પણ એમાં શાંતિ છે જ નહિ, એના કર્તૃત્વમાંથી તને કદી શાંતિ મળવાની નથી! શાંતિનું
ધામ તારું ચૈતન્યતત્ત્વ છે, એમાં વિકારના કર્તૃત્વની ગંધ પણ નથી. આવા સ્વભાવનું
સેવન કર તો અપૂર્વ સમ્યકત્વાદિરૂપ શાંતિ મળે, ને આકુળતા ટળે.
જ્યાં પાણી નથી ત્યાં ભ્રમથી મૃગલા દોડે છે, તેમ જેમાં શાંતિ નથી એવા
પરભાવમાં અજ્ઞાની ભ્રમથી હિત માને છે. ભાઈ, વિકારી ભાવ તો ઝેર છે, તારો
સ્વભાવ તો અમૃત છે; તેને બદલે એ વિકારભાવનું કર્તૃત્વ સ્વભાવમાં માનીને તું તારા
અમૃતસ્વભાવને ઝેરરૂપ માને છે, એ મોટો બળાત્કાર છે. અરે જીવ! સ્વભાવ અને
પરભાવનો ભેદ પાડ! તું પરમાત્મા મોટો, તારો સ્વભાવ મોટો અને તારી ભૂલ પણ
મોટી, તું જ તારા બળથી તારી ભૂલને તોડ તો તે તૂટે. ભૂલ મોટી ને તે ભૂલ ભાંગીને
સમ્યક્સ્વભાવનું ભાન કરતાં તેનો લાભ પણ ઘણો મોટો છે. ભૂલ ભાંગતા ચૈતન્યના
અપાર અમૃત સાક્ષાત્ અનુભવમાં આવે છે.
(કલશટીકા–પ્રવચન)