Atmadharma magazine - Ank 262
(Year 22 - Vir Nirvana Samvat 2491, A.D. 1965).

< Previous Page   Next Page >


PDF/HTML Page 14 of 37

background image
: શ્રાવણ : આત્મધર્મ : ૧૧ :
શુદ્ધજીવસ્તુને જાણનારું જ્ઞાન વિકલ્પના અનુભવમાં અટકે નહિ, એ તો વિકલ્પ વખતેય
એનાથી પાર શુદ્ધજીવવસ્તુને પ્રકાશમાન દેખે છે.–આ જ સમ્યગ્દર્શન છે.
પર્યાયમાં રાગાદિ વિકલ્પ છે, નવતત્ત્વના વિકલ્પ છે, પણ તે વિકલ્પના
અનુભવવડે કાંઈ સમ્યગ્દર્શન થતું નથી. સમ્યગ્દર્શન તો શુદ્ધઆત્મવસ્તુના અનુભવરૂપ
છે. અજીવ વસ્તુ દેહ–મન–વાણી વગેરેનું તો જીવમાં અસ્તિત્વ જ નથી, એટલે તેની તો
વાત જ શું? અહીં તો જીવની પર્યાયમાં જેનું અસ્તિત્વ છે એવા વિકલ્પ, તે પણ
શુદ્ધઆત્માના અનુભવથી બહાર છે,–એમ બતાવ્યું છે. બંને પડખાં જાણીને શુદ્ધસ્વભાવ
તરફ ઢળવું ને તેને અનુભવમાં લેવો તે મોક્ષમાર્ગ છે. ચેતનાલક્ષણવાળો જીવ–એવો
ગુણભેદનો વિકલ્પ પણ શુદ્ધવસ્તુના અનુભવમાં નથી; શુદ્ધવસ્તુનો અનુભવ નિર્વિકલ્પ
છે, તેની પ્રતીત નિર્વિકલ્પ છે, તેનું જ્ઞાન પણ વિકલ્પથી જુદું એટલે નિર્વિકલ્પ છે. જેટલા
સવિકલ્પભાવો છે તે કોઈ સ્વાનુભવમાં નથી એટલે તે મોક્ષમાર્ગરૂપ નથી. માટે હે
જીવો! શુદ્ધજીવવસ્તુને પર્યાયેપર્યાયે વિકલ્પથી ભિન્ન અનુભવો.
અનાદિકાળમાં પૂર્વે જેનો અનુભવ નથી કર્યો એવા શુદ્ધઆત્માના અનુભવની
આ વાત છે. જીવે અજ્ઞાનભાવે અનાદિથી વિકલ્પનો જ અનુભવ કર્યો છે, પોતાની
શુદ્ધવસ્તુ જેવી છે તેવી વિકલ્પ વગર તેણે કદી અનુભવી નથી.–આવા અનુભવ વગર
સમ્યક્ત્વ થાય નહિ. તે અનુભવ કેમ થાય તેની આ વાત છે. શુદ્ધવસ્તુ એવી નથી કે
વિકલ્પમાં તે આવી જાય. આવી શુદ્ધવસ્તુને અનુભવી–અનુભવીને પરમાત્મપદ
સાધનારા જીવો પણ જગતમાં અનાદિથી થતા આવે છે. શુદ્ધવસ્તુનો સ્વાનુભવ કરીને
તેની રીત સંતોએ બતાવી છે; વિકલ્પજાળમાંથી શુદ્ધચૈતન્યવસ્તુને બહાર કાઢીને જુદી
બતાવી છે. જેમ સુવર્ણપાષાણમાં જો સુવર્ણને જુઓ તો પત્થરથી જુદું સોનું છે, તેમ
નવતત્ત્વમાં જો વિકલ્પને ન જોતાં શુદ્ધદ્રષ્ટિથી જુઓ તો આત્મા વિકલ્પ વગરનો
શુદ્ધચૈતન્યપણે પ્રકાશમાન છે.
એ જ રીતે ઉત્પાદ–વ્યય–ધુ્રવતામાં પણ શુદ્ધદ્રષ્ટિથી આવો એકરૂપ શુદ્ધઆત્મા જ
પ્રકાશમાન છે. ઉત્પાદ–વ્યય–ધુ્રવ આત્મામાં નથી–એવું નથી, પરંતુ તે ઉત્પાદ–વ્યય–
ધુ્રવના ભેદના વિકલ્પમાં રોકાતાં શુદ્ધવસ્તુની અનુભૂતિ થતી નથી; શુદ્ધ વસ્તુની
અનુભૂતિના કાળે ઉત્પાદ–વ્યય–ધુ્રવના વિકલ્પો હોતા નથી; ઉત્પાદ–વ્યય–ધુ્રવ તો હોય છે
પણ તેના વિકલ્પો નથી હોતા; જેમ સ્વાનુભવ વખતે ય જીવને સંવર–નિર્જરારૂપ
પરિણમન તો છે, પણ તે સંવર–નિર્જરાના વિકલ્પ નથી. આ રીતે સ્વાનુભવથી વસ્તુને
જોતાં સમસ્ત ભેદ–વિકલ્પ જૂઠા છે–અસત્ છે.
સમ્યક્ત્વની ઉત્પત્તિના પ્રસંગમાં કોઈ વિકલ્પ હોતા નથી, ત્યાં તો શુદ્ધવસ્તુની
સ્વાનુભૂતિ જ છે. ભાઈ, આવી વસ્તુ તારા અંતરમાં વિદ્યમાન છે, તે વિદ્યમાન વસ્તુના
અનુભવમાં વિકલ્પનો પ્રવેશ નથી, એટલે તેનું અવિદ્યમાનપણું છે.