: શ્રાવણ : આત્મધર્મ : ૨૩ :
ઉત્તર:– આત્મા પોતાના સ્વભાવસામર્થ્યથી પૂર્ણ છે ને પરથી અત્યંત જુદો છે
એમ સ્વ–પરની ભિન્નતાને જાણીને સ્વદ્રવ્યના અનુભવથી આત્મા શુદ્ધતાને પામે તે
ધર્મનો મર્મ છે.
મોક્ષ
(૩૯) પ્રશ્ન:– મોક્ષ એટલે શું?
ઉત્તર:– પોતાના સ્વભાવની પૂર્ણ પ્રાપ્તિ વડે (એટલે કે પ્રગટતા વડે) દુઃખ અને
દુઃખનાં કારણોથી આત્મા અત્યંતપણે મુક્ત થાય–તેનું નામ મોક્ષ. સ્વભાવની પ્રાપ્તિનો
ઉપાય સમ્યગ્દર્શન–જ્ઞાન–ચારિત્ર છે. (‘મોક્ષ કહ્યો નિજ શુદ્ધતા, તે પામે તે પંથ’)
અનુભવ કોનો
(૪૦) પ્રશ્ન:– અનુભવ દ્રવ્યનો છે કે પર્યાયનો?
ઉત્તર:– ‘અનુભવ’માં એકલું દ્રવ્ય કે એકલી પર્યાય નથી, પણ સ્વસન્મુખ વળીને
પર્યાય દ્રવ્ય સાથે તદ્રૂપ થઈ છે, ને દ્રવ્ય–પર્યાય વચ્ચે ભેદ નથી રહ્યો,–આવી જે બંનેની
અભેદઅનુભૂતિ–તે અનુભવ છે. દ્રવ્ય–પર્યાય વચ્ચે ભેદ રહે ત્યાં સુધી નિર્વિકલ્પ
અનુભવ થાય નહીં.
(વિવિધ વચનામૃત: અનુસંધાન પાના ૨પનું ચાલુ)
(૧૭૦) ચૈતન્યનગરને વસાવ
હે જીવ, તારા આત્માના અસંખ્ય પ્રદેશરૂપી ચૈતન્યનગરને રત્નત્રયરૂપી પ્રજાવડે
વસાવ. અનાદિથી તારું ચૈતન્યક્ષેત્ર નિર્મળ પરિણતિ વગરનું ઉજ્જડ બની રહ્યું છે, ને
તેમાં રાગ–દ્વેષ–મોહ–વિષય–કષાય ઊગી નીકળ્યા છે; હવે સ્વસંવેદન વડે તે રાગાદિ
પરભાવોને ઉખેડીને તેનાથી ઉજ્જડ બનાવ, અને સ્વાનુભવરૂપી જળ–સીંચન વડે
સમ્યગ્દર્શન–જ્ઞાન–ચારિત્રરૂપ નિર્મળ ભાવોને તારા આત્મામાં વસાવ. અનાદિથી જે
પરભાવ વસ્યા છે તેને તો ઉખેડીને ઉજ્જડ કરી નાંખ, અને અનાદિથી રત્નત્રય વગરની
ઉજ્જડ એવી તારી ચૈતન્યનગરીમાં હવે રત્નત્રયની નિર્મળ પ્રજાને વસાવ. જેમ ઉજ્જડ
નગરી શોભતી નથી તેમ રત્નત્રય વગરનો ઉજ્જડ આત્મા શોભતો નથી. માટે
સ્વાનુભૂતિ વડે સમ્યગ્દર્શન–જ્ઞાન–ચારિત્ર–આનંદ વગેરેની વસતીથી તારા આત્માને
ભરી દે.