ધર્મવાત્સલ્યનું મહાન પ્રતીક: રક્ષાબંધન પર્વ
(વાત્સલ્યપૂર્ણિમા: શ્રાવણ સુદ ૧પ)
આજે સમગ્ર જૈનસમાજને જેની ખૂબ જરૂર છે એવા વાત્સલ્યના અમીસીંચન
કરતું મહાન જૈન–પર્વ શ્રાવણ સુદ પૂર્ણિમાએ આવી રહ્યું છે.....દર વર્ષની આ
વાત્સલ્યપૂર્ણિમા વખતે જાણે સાક્ષાત્ વિષ્ણુકુમાર મુનિરાજ આવીને આપણને
વાત્સલ્યનો પુનિત સન્દેશ સંભળાવી જાય છે. ચક્રવર્તીના એ પુત્ર રાજપાટ છોડી,
ચૈતન્યની સાધનામાં એવા મસ્ત હતા કે મહાન વિક્રિયાઋદ્ધિ પ્રગટી હોવા છતાં તેનું
લક્ષ ન હતું. એમના સમ્યક્ત્વસૂર્યનું તેજ વાત્સલ્યાદિ અષ્ટાંગોથી ઝળકતું હતું. એવા
એ વિષ્ણુકુમાર મુનિરાજની જન્મનગરીમાં જ્યારે અકંપનાદિ ૭૦૦ મુનિવરોના સંઘ
ઉપર ચાર મંત્રીઓ દ્વારા ઘોર ઉપદ્રવ થઈ રહ્યો છે, મુનિવરો અકંપપણે
સમાધિભાવમાં સ્થિત છે, ઘોર ઉપદ્રવથી હસ્તિનાપુરીના સમસ્ત શ્રાવકોએ પણ
અન્નનો ત્યાગ કર્યો છે, ને આકાશના નક્ષત્ર પણ ધૂ્રજી ઊઠે છે,–એ વખતે
મિથિલાપુરીમાં શ્રુતસાગર આચાર્ય નિમિત્તજ્ઞાનદ્વારા મુનિવરોનો ઉપદ્રવ જાણે છે ને
તેમનું હૃદય મુનિસંઘ પ્રત્યે વત્સલતાથી એવું ઉભરાઈ જાય છે, કે રાત્રિનું મૌન
તોડીને પણ ‘હા!’ એવો ઉદ્ગાર તેમના મુખમાંથી સરી પડે છે. વિષ્ણુમુનિ વડે જ
આ ઉપદ્રવથી મુનિઓની રક્ષા થઈ શકે એમ છે તે જાણીને, એક ક્ષુલ્લકજી તેમને
પ્રાર્થના કરે છે. વિષ્ણુમુનિરાજને વાત્સલ્ય ઉભરાય છે....૭૦૦ મુનિઓની રક્ષા
ખાતર પોતે મુનિપણું છોડી થોડીવાર શ્રાવક બને છે, યુક્તિથી બલિરાજાને
વચનબદ્ધ કરીને ૭૦૦ મુનિઓની રક્ષા કરે છે, એટલું જ નહિ, વત્સલતાથી
બલિરાજા વગેરેને પણ ધર્મ પમાડીને તેમનોય ઉદ્ધાર કરે છે. હસ્તિનાપુરી
જયજયકારથી ગાજી ઊઠે છે, ફરીને સર્વત્ર આનંદમંગળ થાય છે; ને પોતાનું
મુનિરક્ષાનું કાર્ય પૂરું કરીને તરત વિષ્ણુકુમાર ફરી પોતાના મુનિપદમાં સ્થિર થાય
છે, ને એવી ઊગ્ર આત્મસાધના કરે છે કે કેવળજ્ઞાન પ્રગટ થાય છે.
મુનિરક્ષાનો ને વાત્સલ્યનો આ મહાન દિવસ એવો પ્રસિદ્ધ બન્યો કે લાખો–
કરોડો વર્ષો વીતવા છતાં આજેય ભારતભરમાં તે આનંદથી ઊજવાય છે. સંસારમાં
ભાઈ–બહેનનું નિર્દોષ વાત્સલ્ય એ વાત્સલ્યનું સૌથી મોટું પ્રતીક છે. વાત્સલ્ય હોય ત્યાં
રક્ષાની ભાવના હોય જ. આવું આ વાત્સલ્યનું પર્વ સર્વત્ર વાત્સલ્યના પૂર વહાવો.
ધર્મવત્સલ સંતોને નમસ્કાર હો.