Atmadharma magazine - Ank 262
(Year 22 - Vir Nirvana Samvat 2491, A.D. 1965).

< Previous Page   Next Page >


PDF/HTML Page 30 of 37

background image
: શ્રાવણ : આત્મધર્મ : ૨૭ :
સ્વરૂપ આત્મા તો પોતાના જ્ઞાનભાવોને જ કરે, પણ જ્ઞાનથી ભિન્ન બીજા પદાર્થોમાં
આત્મા કાંઈ કરે નહિ. પાઠશાળાના બાળકોને પણ પહેલેથી આ શ્લોક શિખવાય છે કે–
આત્મા જ્ઞાનં સ્વયં જ્ઞાનં, જ્ઞાનાત્ અન્યત્ કરોતિ કિમ્
પરભાવસ્ય કર્તાત્મા, મોહોયં વ્યવહારિણામ્।।૬૨।।
ચેતનપરિણામી આત્મવસ્તુ તે પોતાના ચેતનપરિણામને જ કરે છે, અને ખરેખર
તો સ્વસન્મુખ રહીને જ્ઞાનભાવે પરિણમવું તે જ આત્માનું સ્વરૂપ છે. રાગાદિ ભાવરૂપે
પરિણમવું તે પણ જ્ઞાનનું સ્વરૂપ નથી, તોપછી ભિન્ન એવા પરદ્રવ્યોમાં આત્મા શું કરે?
‘હું કરું’ એવી માત્ર કલ્પના કરે છે, તે તો અજ્ઞાનીનો મોહ છે; તે કલ્પના વડે પણ કાંઈ
પરદ્રવ્યનાં કામ તો આત્મા કરી શકતો નથી.
ભાઈ, જડ શરીરમાં તારું અસ્તિત્વ જ નથી, તો તેના કાર્યમાં તું શું કર? જડના
કાર્ય જો તું કર તો તો તારું અસ્તિત્વ જડરૂપ થઈ જાય, તું જ્ઞાનસ્વરૂપ ન રહે. કેમકે જે
કાર્યનો જે કર્તા હોય તે કાર્યમાં તેનું અસ્તિત્વ હોય. જડના કાર્યનો કર્તા જો આત્મા હોય
તો આત્માનું અસ્તિત્વ તે જડમાં ચાલ્યું જાય.–પણ એમ તો ત્રણકાળમાં નથી બનતું,
કેમકે–
જડ તે જડ ત્રણકાળમાં, ચેતન ચેતન હોય.
જડ કે ચેતન પદાર્થ ત્રણેકાળ પોતપોતાના સ્વરૂપે જ રહે છે. આવી ભિન્ન
વસ્તુસ્થિતિ છે, છતાં અજ્ઞાની એમ માને છે કે હું પરનો કર્તા છું. તેની એ માન્યતા
મિથ્યાત્વ જ છે. અજ્ઞાની જીવ પણ પોતાના રાગાદિ અજ્ઞાનભાવોને કરે છે, પણ પરનાં
કામ તો તે કરતો નથી.
દરેક પદાર્થ સત્ છે, ને તે સત્ની મર્યાદા પોતપોતાના સ્વકાર્યમાં છે; પોતાની
મર્યાદા છોડીને પરના કાર્યમાં કોઈ વસ્તુ કાંઈ કરી શકતી નથી. આત્મા અનંત શક્તિના
ગંભીર સ્વભાવથી પરિપૂર્ણ છે. પણ તે શક્તિઓનું કાર્ય પોતામાં જ સમાય છે; એક્કેય
એવી શક્તિ નથી કે પરમાં કામ કરે. ભાઈ, આવું પરથી ભિન્નપણું હોવાથી પરમાં તારું
અત્યંત અકર્તાપણું છે, ત્યાં પરના કર્તૃત્વનો આ મોહ શો? પરમાં અત્યંત અકર્તાપણું
સમજે તો પરિણતિને અંતરમાં સ્વ તરફ લાવવાનો અવકાશ રહે. પણ પરના કર્તૃત્વની
મિથ્યાબુદ્ધિમાં જ જેની પરિણતિ મશગુલ છે તે સ્વ તરફ ક્્યારે વળે? ને આત્માનો
અનુભવ ક્યારે કરે?
(આ લેખનો બાકીનો ભાગ આવતા અંકે)